Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

મહારાષ્ટ્રમાં હવે પ્રોટેમ સ્પીકરને લઇને થશે અસલી ખેલઃ રાજ્યપાલને ૬ નામોની ભલામણ

સામાન્ય રીતે ગૃહના સૌથી વરિષ્ઠ સભ્યોને પ્રોટેમ સ્પીકર બનાવાય છે : કોંગ્રેસના થોરાટનો ઘોડો આગળઃ જો કે જે પક્ષનાં પ્રોટેમ સ્પીકર હોય છે તે પક્ષ પહોંચે છે સત્તાના સિંહાસન ઉપર

નવી દિલ્હી,તા.૨૬: સુપ્રીમ કોર્ટે આજે મંગળવારે મહારાષ્ટ્ર મામલે ફ્લોર ટેસ્ટ કરાવવાનો ચુકાદો આપ્યો છે. આ ફ્લોર ટેસ્ટ કાલે એટલે કે ૨૭ નવેમ્બરે સાંજે ૫ વાગ્યા સુધી કરાવવાનો કોર્ટે આદેશ આપ્યો છે. પરંતુ ખાસ વાત એ છે કે પ્રોટેમ સ્પીકર જ બધા ધારાસભ્યોને શપથ લેવડાવશે અને પછી ફ્લોર ટેસ્ટની પ્રક્રિયા કરવામાં આવશે. પ્રોટેમ સ્પીકરને દરેક પાર્ટી પોતાના વ્હિપની માહિતી પણ આપશે.

ત્યારે હવે એવો સવાલ ઉભો થાય છે કે પ્રોટેમ સ્પીકર કોણ બનશે? પરંપરા મુજબ સદનના વરિષ્ઠતમ સદસ્યને પ્રોટેમ સ્પીકર તરીકે નિમણૂક કરવામાં આવે છે. ઉપરાંત સૌથી વધુ વખત ચૂંટાયેલ ધારાસભ્યને પણ પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવે છે. જેને રાજયપાલ નામાંકિત કરે છે. તેથી હવે એવો સવાલ ઉભો થયા છે કે પ્રોટેમ સ્પીકર બનાવવાની પરંપરાને ફોલો કરવામાં આવશે કે નહીં. મીડિયા રિપોર્ટ મુજબ મહારાષ્ટ્ર વિધાનસભામાં વરિષ્ઠતાના આધારે ૬ નામ રાજયપાલ ભગત સિંહ કોશ્યારીને મોકલવામાં આવ્યા છે. જેમાં કોંગ્રેસના બાલાસાહેબ થોરાટ પહેલા અને બીજેપીના કાલીદાસ કલમકારનું નામ બીજા ક્રમે છે. આ બે નેતાઓ સિવાય કોંગ્રેસના કેસી પડવી, બહુજન વિકાસ અગાડી પાર્ટીના હિતેન્દ્ર ઠાકુર, પૂર્વ સ્પીકર અને એનસીપી નેતા દિલીપ વાલસે અને બીજેપીના બબ્બન પચપુટેના નામ રાજયપાલને મોકલવામાં આવ્યા છે.જોકે બાલાસાહેબ થોરાટને કોંગ્રેસના ધારાસભ્ય દળના નેતા તરીકે પણ પસંદ કર્યા છે. તેથી તેમની પ્રોટેમ સ્પીકર બનવાની સંભાવના ઓછી છે. આપને જણાવી દઈએ કે આ પહેલા વર્ષ ૨૦૧૮માં કર્નાટક વિધાનસભામાં પણ એવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે રાજયપાલ વજુભાઈ વાળાએ બીજેપી નેતા કેજી બોપૈયાને પ્રોટેમ સ્પીકર તરીકે ચૂંટ્યા હતા. પરંતુ સદનમાં સૌથી વરિષ્ઠ અને અનુભવી ધારાસભ્ય કોંગ્રેસના દેશપાંડે હતા.

(3:44 pm IST)