Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

ભાજપે હથિયાર હેઠા મુકયાઃ ફડણવીસ-અજીત પવારનું રાજીનામુઃ હવે ઉદ્ધવ બનશે મુખ્યમંત્રી

ફલોર ટેસ્ટ પૂર્વે જ ગેમઓવરઃ ૭૮ કલાકમાં જ ફડણવીસે ખુરશી છોડવી પડી : સાંજે શિવસેના-એનસીપી-કોંગ્રેસની બેઠકઃ નેતાપદે મોટાભાગે ઉદ્ધવ ઠાકરેને ચૂંટણી કઢાશે

મુંબઇ તા. ૨૬: મહારાષ્ટ્રમાં સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ ધડાધડ રાજકીય ઘટનાક્રમો બદલાયા છે. સતત બીજી વખત પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર અજીત પવારે આજે બપોરે રાજીનામા આપવાની જાહેરાત કરી કોંગ્રેસ-શિવસેના અને એનસીપીના મહાગઠબંધનની સરકારનો માર્ગ મોકળો કર્યો છે. મહારાષ્ટ્રમાં હવે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બનશે તે નક્કી છે.

આજે સવારે સુપ્રિમ કોર્ટે એવો આદેશ આપ્યો હતો કે મહારાષ્ટ્રની ભાજપ સરકાર આવતીકાલે વિશ્વાસનો મત વિધાનસભામાં લે તે દરમિયાન એનસીપીના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે પક્ષના અન્ય સાથીદારોની સમજાવટને કારણે રાજીનામુ આપી દેતા ભાજપ ભીંસમાં મુકાયુ હતું અને વિધાનસભામાં બહુમતિ પૂરવાર થશે નહીં તેવું જણાતા આજે બપોરે ૩.૩૦ કલાકે મુખ્યમંત્રી ફડણવીસે પોતાના પદ ઉપરથી રાજીનામુ આપવાની જાહેરાત એક પત્રકાર પરિષદમાં કરી હતી અને જણાવ્યું હતું કે હું પત્રકાર પરિષદ બાદ મારૃં રાજીનામું આપવા રાજ્યપાલ પાસે જઇ રહ્યો છું.

તેમણે પત્રકાર પરિષદમાં શિવસેના ઉપર તીખા પ્રહારો કર્યા હતાં અને કહ્યું હતું કે, ૫૦-૫૦ની ફોર્મ્યુલા કદી નક્કી થઇ નહોતી. જે નક્કી થયું જ નહોતું તે શિવસેનાને જોઇતું હતું પરંતુ અમે તેના દબાણને વશ ન થયા અને અમને ટેકો આપનાર અજીત પવાર સાથે સરકાર રચી. આજે બપોરે અજીત પવારે પણ કોઇપણ કારણોસર રાજીનામુ આપતા અમે સરકાર બનાવવાની સ્થિતિમાં નથી તેવું જણાતા અમે રેસમાંથી નીકળી જવાનું નક્કી કર્યું. અમારે હોર્સ ટ્રેડીંગ કરવુ નહોતું.

તેમણે કહ્યું હતું કે, શિવસેના નેતૃત્વ હેઠળનું આ ગઠબંધન રચાયુ છે તે અલગ-અલગ વિચારધારાઓ જણાવે છે. તેઓનો કોમન મિનીમમ પ્રોગ્રામ એક જ હતો કે ભાજપને સત્તા પર આવવા ન દેવું.

અત્રે એ નોંધનીય છે કે, આજે સાંજે  ૬ વાગ્યે કોંગ્રેસ-એનસીપી અને શિવસેનાના ધારાસભ્યોની બેઠક મળી રહી છે અને તેમાં નવા નેતાની પસંદગી કરવામાં આવશે. આ નેતા મોટાભાગે ઉદ્વવ ઠાકરે હશે અને તેઓ રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે તે નક્કી છે. દરમિયાન શિવસેનાના સંજય રાઉતે જણાવ્યું છે કે ઉદ્વવ ઠાકરે પાંચ વર્ષ માટે રાજ્યના મુખ્યમંત્રી બનશે.

મહારાષ્ટ્રમાં ખંડીત લોકચુકાદો આવ્યો હતો જેમાં ભાજપ ૧૦૫ના સંખ્યાબળ સાથે સૌથી મોટો પક્ષ હતો. બહુમતી માટે ૧૪૫નું સંખ્યાબળ જોઇએ. આ સામે અન્ય ૩ પક્ષોએ ગઇકાલે જ ૧૬૨ ધારાસભ્યોનું સંખ્યાબળ બતાવી પોતાની તાકાત દર્શાવી હતી. તે પછી ફડણવીસ માટે બહુમતિ સાબિત કરવાનો માર્ગ મુશ્કેલ બન્યો હતો. કારણ કે, અજીત પવાર પાસે પણ પૂરતુ સંખ્યાબળ નહોતું. આ સંજોગોમાં પરાજયનો સામનો કરવો તે પહેલા ભાજપે શસ્ત્રો મ્યાન કરવાનું નક્કી કર્યું.

આજે બપોરે દિલ્હીમાં વડાપ્રધાન મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ વચ્ચે એક બેઠક યોજાઇ હતી અને તે પછી મહારાષ્ટ્રના મુખ્યમંત્રીપદેથી દેવેન્દ્ર ફડણવીસે રાજીનામાની જાહેરાત કરી હતી.

(4:03 pm IST)