Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

સ્વામિનારાયણ કોમ્પલેક્ષ, કંપાલા - યુગાન્ડામાં વૃક્ષારોપણ કરતા શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ...

વૃક્ષો એ ધરતીનું હૃદય છે. મનુષ્ય સૃષ્ટિને ટકાવી રાખવી એ માટે વૃક્ષોની મહત્વની ભૂમિકા છે.વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોનાં પર્ણો પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો જાતજાતનાં ફળો આપે છે. વૃક્ષોનાં મૂળિયાં જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે. કેટલાંક વૃક્ષોના મૂળિયાં અને પર્ણો ઔષધિ તરીકે વપરાય છે. કેટલાંક વૃક્ષોનાં પાન પડિયા-પતરાળાં બનાવવાના કામમાં આવે છે. વૃક્ષો વાદળાંને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે છે. વળી વૃક્ષો ધરતીની શોભા છે. વૃક્ષો વિનાની ધરતી કેશ વિહોણા શીશ જેવી ઉજ્જડ લાગે છે.

વૃક્ષારોપણના આગ્રહી સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશ ગુરુ પરંપરા -  શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે સ્વામિનારાયણ કોમ્પલેક્ષ, કંપાલા - યુગાન્ડામાં વૃક્ષારોપણ કર્યું હતું. ૩૦ એકરમાં ફેલાયેલા વિશાળ સ્વામિનારાયણ કોમ્પલેક્ષમાં સ્વામિનારાયણબાપા સ્વામીબાપા અને શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પધરામણી સંતો - ભક્તો સાથે કરવામાં આવી હતી.

નીતિન ભાઈ વેકરિયા, હીરજીભાઈ જેસાણી, મનીષભાઈ શિયાણી, શિવજીભાઇ રૂડા, ધ્રુવભાઈ પટેલ, દિપકભાઈ સંઘાણી, જાદવજીભાઈ પટેલ વગેરે અગ્રણી યુવા  કાર્યકર્તાઓએ સ્વામિનારાયણબાપા  સ્વામીબાપા અને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજનું પૂજન, અર્ચન અને આરતી ઉતારી હતી. ત્યારબાદ સ્વામિનારાયણ કોમ્પલેક્ષમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે  વૃક્ષારોપણ કર્યું હતું. જેમાં ઉપરોક્ત અગ્રણી કાર્યકર્તાઓ જોડાયા હતા.

(2:46 pm IST)