Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

સહુની નજર

સરકાર બચાવવા ભાજપ શું કરી શકે ?

કર્ણાટક મોડલ અપનાવાશે તેવી ચર્ચા : શિવસેના-કોંગ્રેસ-એનસીપીના કેટલાક ધારાસભ્યો રાજીનામા આપશે

મુંબઇઃ મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારને બચાવવાની ભાજપની આશાઓ ફકત અજિત પવાર પર આધારિત નથી. આ સિવાય પાર્ટીએ સત્ત્।ાના પરીક્ષણ માટે અનેક વ્યૂહરચનાઓ પણ ઘડી છે. જો જરૂરી લાગશે તો પક્ષ બહુમતી સાબિત કરવા માટે કર્ણાટક મોડેલને પણ અપનાવી શકે છે. નોંધપાત્ર વાત એ છે કે, પહેલાં પણ કર્ણાટકની કુમારસ્વામી સરકારને હટાવવા માટે કોંગ્રેસ અને જેડીએસના ઘણા ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું.

સોમવારે મુંબઈમાં એનસીપી, શિવસેના અને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા મીડિયાની સામે પરેડ હોવા છતાં ભાજપના વ્યૂહરચનાકારો દાવો કરે છે કે ફડણવીસ સરકાર ફ્લોર ટેસ્ટની અગ્નિ પરીક્ષા પાસ કરશે. આમાં પક્ષની પહેલી વ્યૂહરચના અજિત પવારની જૂની સ્થિતિ (નેતા વિધાનસભા પક્ષ) જાળવી રાખવાની છે. જેમણે એનસીપી વિધાનસભા પક્ષના નેતા તરીકે ભાજપને ટેકો આપ્યો હતો. જો પવારને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે માન્યતા આપવામાં આવે છે, તો તેઓ શકિત પરીક્ષણ દરમિયાન ભાજપના પક્ષમાં મત આપવા માટે વ્હિપ જારી કરશે.

અન્ય નીતિ કર્ણાટક મોડલ અપનાવવાની છે. પાર્ટીના રાજકારણીઓનો દાવો છે કે તેમના સંપર્કમાં એનસીપી, શિવસેના અને કોંગ્રેસના અનેક ધારાસભ્યોની સાથે કેટલાક અપક્ષ ધારાસભ્યો પણ છે. તેમાં અજિત પવારની સાથે ૧૩ ધારાસભ્યો હોવાનો દાવો છે. અન્ય પરિસ્થિતિ આવે તો પાર્ટીના સંપર્કવાળા ધારાસભ્યો શકિત પરીક્ષણ સમયે અથવા તો ક્રોસ વોટિંગ કરીને શકિત પરીક્ષણ પહેલાં રાજીનામું આપશે. આ બંને વિકલ્પમાં ધારાસભ્યો કયો વિકલ્પ અજમાવશે એ બહુમતની જરૂરી સંખ્યાના આધારે નક્કી કરવામા આવશે.

(1:05 pm IST)