Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

દિલ્હીના ડોકટરોએ વિશ્વની સૌથી મોટી અને ભારે કિડની બહાર કાઢી

૭.૪ કિલો વજનઃ ર કલાક ચાલી સર્જરી

નવી દિલ્હી, તા.૨૬: દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ દરર્દીના શરીરમાંથી ડોકટરોએ ૭.૪ કિલોગ્રામ વજન ધરાવતી વિશ્વની સૌથી મોટી કિડની (મૂત્રપિંડ) કાઢી હતી. દરદીની વય ૫૬ વર્ષની છે અને બે કલાકની સર્જરી પછી કિડની કાઢવામાં આવી હતી તેવું યુરોલોજી કન્સલટન્ટ ડો. સમીન કથુરિયાએ જણાવ્યું હતું. દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના યુરોલોજી કન્સલટન્ટ ડો. કથુરિયાએ કહ્યું કે, 'બે નવજાત શિશુની કિડનીનું  જે વજન હોય તેના કરતા આ કિડનીનું વજન વધુ હતું તેવો સંદર્ભ આપીને સમજાવી શકાય છે. કિડની મોટી છે તેવું સ્કેનમાં દેખાતુ  હતું  પણ આટલી વજનદાર હશે તેવું અમે ધાર્યું ન હતું.૨૦૧૭માં ૪.૨૫ કિલોગ્રામ વજન ધરાવતી કિડની એક દરદીના પેટમાંથી કાઢવામાં આવી હતી અને સૌથી મોટી કિડની તરીકે તેની ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં નોંધ લેવામાં આવી હતી. સરગંગારામ હોસ્પિટલના ડોકટરો હવે ૭.૪ કિલોગ્રામ વજન ધરાવતી કિડનીની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં લેવા અરજી કરવાનું  વિચારી રહ્યા છે. એક સામાન્ય માનવીની કિડની લગભગ ૧૨૦-૧૫૦ ગ્રામ વજન ધરાવતી હોય છે. દિલ્હીના દરદીની કિડનીની લંબાઈ ૩૨ સેન્ટિમીટર અને પહોળાઈ ૨૧.૮ સેન્ટિમીટર હતી અને વિશ્રમાં પ્રથમ વાર આટલી મોટી કિડની કાઢવામાં આવી હતી તેવો ડોકટરોએ દાવો કર્યો હતો. દિલ્હીના રહેવાસી આ દરદીને અસહ્ય દર્દ થતું હતું અને તેને શ્રાસ લેવામા મુશ્કેલી પડતી હતી. તેને તાવ પણ આવ્યો હતો. ડોકટર કથુરિયાએ કહ્યુ કે, અમે તપાસ કરી હતી અને તેની ડાબી કિડનીમાં ઈન્ફેકશન હોવાની ખબર પડી હતી. તેને આંતરિક લોહી  સ્ત્રાવ પણ થયો હતો આથી અમે સર્જરી કરવાનો નિર્ણય કર્યો હતો. દરદી હવે સારો થયો છે અને તેમને રજા આપવામાં આવી છે તેવું ડોકટરે કહ્યું હતું. હાલમાં દરદીનું ડાયાલિસીસ કરવું પડે છે અને યોગ્ય સમયે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે તેવું ડોકટરે કહ્યું હતું.

(11:47 am IST)