Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

મોલની મુલાકાત લેનારા પ૩ ટકા ત્યાંથી ખરીદી કરતા નથી

૪૭ ટકા લોકો ખરીદી માટે આવે છે : સર્વે

મુંબઇ તા ૨૬  : શહેરમાં બિલાડીના ટોપની જેમ જયાં-ત્યાં ઉભા થઇ રહેલા શોપિંગ મોલ હવે માત્ર શોપિંગ મોલ નથી રહ્યા એમ આઇ.આઇ.ટી. દ્વારા કરવામાં આવેલ એક સર્વેમાં જણાયું હતું. મોલમાં આવનારા  મુલાકાતીઓમાંના લગભગ ૫૩ ટકા ભોજન માટે, સમય પસાર કરવા કે પછી ફિલ્મો જોવા આવતા હોય છે. સર્વેનો મુળ હેતુ મોલની આસપાસના વિસ્તારોમાં પરિવહનની વ્યવસ્થા વિશે માહિતી મેળવવાનો અને મોલના મુલાકાતીઓની  વર્તણુંકનો અભ્યાસ કરવાનો હતો.

સર્વેમાં  શોપિંગ મોલના મુલાકાતીઓનાં કારણો પર પ્રકાશ પાડવા ઉપરાંત મોલમાં આવતા લોકોની સુવિધા માટે જાહેર પરિવહનનાં સાધનો સુધી સરળ પહોંચને પણ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. મહત્ત્વનાં રેલ્વે સ્ટેશનો, ટર્મિનલ્સ અને મેટ્રોમાં મોલની આવશ્યકતા પર ભાર મૂકવામાં આવ્યો હતો.આ સંશોધનમાં મુંબઇના પાંચ શોપિંગ મોલ્સમાંના ૬૫૦ મુલાકાતીઓને આવરી લેવાયા હતા. જે મુજબ ૪૭ ટકા લોકો મોલમાં શોપિંગ માટે, ૫૩ ટકા લોકો જમવા,સમય પસાર કરવા કે પછી ફિલ્મ જોવા આવતા હોય છે. મોલમાં આવનારા ૪૦ ટકા લોકો પાસે પોતાનાં વાહનો હોય છે, જયારે કે બાકીના માત્ર સમય પસાર કરવા કે ફિલ્મ જોવા આવતા લોકો ચાલીને કે પછી જાહેર પરિવહનનાં સાધનોનો ઉપયોગ કરીને મોલમાં આવતા હોય છે. શોપિંગ મોલના કર્મચારીઓ મોટે ભાગે જાહેર પરિવહનનાં સાધનોનોઉપયોગ કરતાં હોય છે. અડધા કરતાં વધુ મુલાકાતીઓ વીક-એન્ડમાં બપોરે કે સાંજે મોલની મુલાકાત લેવાનું પસંદ કરતા હોય છે. (૩.૧)

(11:46 am IST)