Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

સબરીમાલા મંદિરમાં પ્રવેશનો પ્રયાસ કરતી મહિલા કાર્યકર પર મિર્ચી સ્પ્રેથી હુમલો : વિડિઓ વાયરલ

પોલીસ કમિશનરની ઓફિસ બહાર જ હુમલો : મહિલા કાર્યકર બિન્દુ અમ્મિનીને હોસ્પિટલમાં દાખલ કરાઈ

કેરળ : સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરનારી એક મહિલા પર મિર્ચી સ્પ્રેથી હુમલો કરાયો છે મહિલા કાર્યકર બિન્દુ અમ્મિની સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે જ તેણી પર મિર્ચી સ્પ્રેથી હુમલો થયો હતો. આ હુમલો પોલીસ કમિશનરની ઓફિસ બહાર જ થયો હતો. આ અંગેની વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. હુમલો થયો ત્યારે કોઈએ આ ઘટનાને પોતાના મોબાઇલમાં કેદ કરી લીધી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે હુમલા બાદ બિન્દુ પોતાનો ચહેરો ઢાંકીને ત્યાંથી ભાગી રહી છે. મિર્ચી સ્પ્રેથી હુમલા બાદ બિન્દુને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે મહિલા અધિકાર કાર્યકર્તા તૃપ્તિ દેસાઈ સહિત છ મહિલાઓ સબમીમાલા સ્થિત ભગવાન અયપ્પા મંદિરમાં પૂજા કરવા માટે મંગળવારે કેરળ પહોંચી છે. તૃપ્તિ દેસાઈ અને મહિલા કાર્યકરો મંગળવારે સવારે કોચિન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતાર્યા હતા, જ્યાંથી તમામને શહેર પોલીસ કમિશનરની ઓફિસ લઈ જવામાં આવ્યા હતા. તૃપ્તિ દેસાઈએ કહ્યું હતું કે સંવિધાન દિવસ પર 26મી નવેમ્બરના રોજ તેઓ મંદિરમાં પૂજા કરશે.
  તૃપ્તિ દેસાઈએ જણાવ્યું કે, તેણી સુપ્રીમ કોર્ટના વર્ષ 2018ના તમામ વયની મહિલાઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશ આપવાના આદેશની નકલ સાથે અહીં પહોંચી છે. મહિલા કાર્યકરે કહ્યુ કે, "હું મંદિરમાં પૂજા કર્યા બાદ જ કેરળમાંથી પરત જઈશ." ઉલ્લેખનીય છે કે પૂણેમાં રહેતી તૃપ્તિ દેસાઈએ ગત વર્ષે નવેમ્બરમાં પણ મંદિરમાં દર્શન કરવાનો એક અસફળ પ્રયાસ કર્યો હતો.

(11:25 am IST)