Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

ક્રુડમાં કડાકો પણ ગ્રાહકોને નથી મળ્યો ફાયદોઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં જોઇએ તેટલો ઘટાડો નથી થયો

ક્રુડના ભાવમાં ૨પ ટકા જેટલો ઘટાડો છતાં પેટ્રોલ ડિઝલના ભાવ ૭થી૧૧ ટકા જ ઘટયા

નવી દિલ્હી, તા.૨૬: ક્રુડના આંતરરાષ્ટ્રીય ભાવમાં તીવ્ર કડાકા છતાં ભારતીય ગ્રાહકોને તેનો પૂરો લાભ નથી આપવામાં આવતો. ઓઇલ કંપનીઓ બેન્ચમાર્ક ભાવની સમકક્ષ ઘટાડો નથી કરતી અને પોતાનું માર્જિન વધારી દીધું હોવાનું ઇટીના એનાલિસિસ પરથી સાબિત થાય છે.

ઓઇલ કંપનીઓ કહેવાતી રિફાઇનરી ગ્રેટ પ્રાઇસ નકકી કરતા હોય છે. અગાઉના પખવાડિયાના ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવ અને પ્રવર્તમાન એકસ્ચેન્જ રેટ વત્તા ફ્રેઇટ, ઇન્શ્યોરન્સ અને કેટલાક અન્ય ચાર્જિસ ઉમેરીને ઓઇલ કંપનીઓ ગેટ પ્રાઇસ નકકી કરે છે. આમાં કેન્દ્ર તથા રાજય સરકારના ટેકસ તથા ડીલર્સ કમિશન ઉમેરાય છે અને રિટેલ ભાવ નકકી થાય છે. જે દૈનિક ધોરણે ચાર્જ કરાય છે.

૮ ઓકટોબરથી ૧૯ ઓકટોબર વચ્ચે ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલ પંપ ડીલર્સને અપાતા ઇધણના ભાવમાં ૧૦ ટકા ઘટાડો થયો હતો પણ આ જ સમયગાળામાં બેન્ચમાર્ક ભાવ (આંતરરાષ્ટ્રીય ક્રૂડ અને એકસચેન્જ રેટ પર આધારિત)માં ૨૨ ટકા ઘટાડો થયો છે. આ જ રીતે ડીલરનો ભાવ માત્ર ૪.પ ટકા જ ઘટયો છે, જાયરે બેન્ચમાર્ક રેટ ૧૧.પ ટકા ઘટયો છે. આનો અર્થ એ થયો કે આ સમયગાળામાં ઓઇલ કંપનીઓના ગ્રોસ માર્કેટીંગ માર્જિનમાં પેટ્રોલમાં પ્રતિ લિટર રૂ.૪.૯૮ અને ડીઝલમાં રૂ.૩.૦૩ લિટરનો વધારો થયો છે.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના સિનિયર એકિઝકયુટિવે જણાવ્યું હતું કે, ભાવઘટાડાને કારણે પેટ્રોલ સહિતના ઇંધણના માર્જિન વૈશ્વિક સ્તરે ઘટી ગયા છે. હાલના સ્થાનિક રિટેલ ભાવ ક્રૂડના ઘટાડાની સમકક્ષ નથી, જેનાથી એવી અટકળે વેગ પકડયો છે કે ભારતીય રિફાઇનરી કંપનીઓ વધારે માર્જિન રાખવાના ઇરાદાથી ડીલર્સને સ્થાનિક ભાવની ફોર્મ્યુલા પ્રમાણે નીકળતા ભાવથી ઊંચ ભાવે ઇંધણ વેચે છે. ક્રૂડના ભાવમાં ૩૨ ટકા ઘટાડો થવા છતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં માત્ર ૭થી૧૧ ટકાનો જ ઘટાડો કરવામાં આવ્યો છે. ૩ ઓકટોબરના રોજ ક્રૂડનો ભાવ ૮૬.૭ ડોલર હતો. ઇરાન પાસેથી ઓઇલ ખરીદતા મોટા ગ્રાહકો પરથી અમેરિકાએ પ્રતિબંધ હટાવી લેતાં અને યુએસ, રશિયા અને સાઉદી અરેબિયાએ ઉત્પાદન વધારતાં ગયા સપ્તાહે ભાવ ઘટીને ૬૦ ડોલરની નીચે આવી ગયો હતો.

(10:53 am IST)