Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

જૈન આચાર્યની આકરી - અનોખી તપસ્યા

૬૮૦૦ દિવસમાં ૩૪૦૦ ઉપવાસ

ગઇકાલે તેમના ઉપવાસનો ૧૨૪મો દિવસ હતોઃ ૨૩ જુનથી ઉપવાસ પર છે

મુંબઇ, તા.૨૬:રવિવારે જૈન આચાર્ય હંસરત્નસૂરીના ઉપવાસનો ૧૨૪મી દિવસ હતો. હાલ જૈન આચાર્ય મુંબઈના કાંદિવલી (વેસ્ટ) સ્થિત વાસુપૂજય જિનાલયમાં છે. જૈન આચાર્યએ ૨૩ જૂનથી ઉપવાસ શરૂ કર્યા છે તેમ ભકતોનું કહેવું છે. પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે, છેલ્લા ૬૮૦૦ દિવસ અથવા ૧૮ વર્ષ અને ૬ મહિનામાં જૈન આચાર્ય હંસરત્નસૂરીએ ૯ વર્ષ અને ૩ મહિના (૩૪૦૦ દિવસ) ઉપવાસ કર્યા છે.

તપધામ અનુમોદન સમિતિના કન્વીયર અને વર્ધમાન પરિવારના ટ્રસ્ટી અતુલ શાહે કહ્યું, શ્વેતાંબર જૈન મુનિ દ્વારા સતત ઉપવાસ કરવામાં આવ્યા હોય તેવો આ દુર્લભ કિસ્સો છે. 'નવાઈની વાત તો એ છે કે, આપણે કોરોના સામે લડવા માટે રોગપ્રતિકારક શકિત વધારવાની અને યોગ્ય આહાર લેવાની વાત કરી છીએ ત્યારે મહામારીના લગભગ ૭ મહિનામાં આચાર્યએ ઉપવાસ ચાલુ રાખ્યા છે. તેઓ કોવિડ-૧૯ હોટસ્પોટ ગણાતા મુંબઈમાં ફર્યા અને દૈનિક કાર્યો ચાલુ રાખ્યા હતા', તેમ CA અતુલ શાહે જણાવ્યું. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ જણાવે છે.

આચાર્યના ભકતોએ અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, સંન્યાસીએ અગાઉ ત્રણ વખત ૧૮૦ દિવસના ઉપવાસ કર્યા હતા. જૈન ધર્મમાં સાધુ કે સાધ્વી ૧૮૦ દિવસના ઉપવાસ કરી શકે છે તેનાથી વધુ નહીં કારણકે મહાવીર સ્વામીએ ૧૮૦ દિવસના ઉપવાસ કર્યા હતા. ઉપવાસ દરમિયાન સૂર્યાસ્ત પહેલા સુધી માત્ર ઉકાળેલું પાણી પી શકાય છે.

એક ભકતે જણાવ્યું, 'ઉપવાસ દરમિયાન એક પણ દિવસ એવો નહોતો જેમાં તેમણે કોઈ પ્રવૃત્ત્િ। ના કરી હોય. જૈન આચાર્ચ હંસરત્નસૂરી ઉપવાસના ૯૬માં દિવસે ૧૦ કિલોમીટર ચાલીને ગચ્છાધિપતિ આચાર્ય રાજેન્દ્રસૂરીને મળવા ગયા હતા. સાથે જ બીજા કાર્યો પણ કર્યા હતા. જયારે આચાર્યએ ૨૦ દિવસના ઉપવાસ કરી રહેલા ૧૩ વર્ષના સાધુની પ્રશંસા કરી હતી ત્યારથી આ સંન્યાસીની ઉપવાસની સફર શરૂ થઈ.'

આચાર્ય હંસરત્નસૂરીના ગુરુ અને ૨૦૧૭માં પદ્મ ભૂષણ પ્રાપ્ત કરનારા આચાર્ય રત્નસુંદર મહારાજે કહ્યું, 'જૈન ધર્મના ઈતિહાસની આ અદ્બૂત ઘટના છે જયાં કોઈ સાધુએ આટલા બધા ઉપવાસ કર્યા હોય. જયારે કોઈ વ્યકિત ઉપવાસ કરે છે ત્યારે તેના શરીરના અંગોને નુકસાન ના થાય તે મહત્વનું છે. તમામ નિયમોના પાલન સાથે ઉપવાસ થવા જોઈએ.'

(10:20 am IST)