Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

અકસ્માતનું બીજુ મોટુ કારણ રોંગ સાઇડ

૨૦૧૯માં રોંગ સાઇડ ડ્રાઇવિંગમાં ૯૨૦૦ લોકોના મોત

નવી દિલ્હી, તા.૨૬: આપણી કારણ વગરની ઉતાવળ અને સમય બચાવવાની લાલચના કારણે ઘણીવાર લોકોના જીવ જોખમમાં મુકાઈ જતા હોય છે. જેનું સ્પષ્ટ ઉદાહરણ રોડ એકિસડેન્ટ ઇન ઇન્ડિયા-૨૦૧૯ રિપોર્ટમાં જોવા મળે છે. આ રિપોર્ટ મુજબ દેશના તમામ નેશનલ હાઇવે પર થતા એકિસડેન્ટલ મોત મામલે બીજુ સૌથી વધુ કારણે રોંગ સાઇડ ડ્રાઇવિંગ હોય છે. ૨૦૧૯માં દેશભરમાં રોડ એકિસડેન્ટમાં ૯૨૦૦ લોકોના જીવ રોંગ સાઇડ ડ્રાઇવિંગના કારણે ગયા હતા આ જ રીતે ૨૦૧૮માં પણ રોંગ સાઇડ ડ્રાઇવિંગના કારણે ૮૭૬૪ લોકોના જીવ ગયા હતા.

રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી અંતર્ગત ટ્રાન્સપોર્ટ રિસર્ચ વિંગ દ્વારા પહેલીવાર દેશના નેશનલ હાઇવે પર થતા એકિસડન્ટ મામલે વિગતવાર ટ્રાફિક નિયમોના ઉલ્લંદ્યન બાબતે પણ રિપોર્ટ આપવામાં આવ્યો છે. દેશના ટોટલ રોડ નેટવર્કમાં નેશનલ હાઈવેનો ભાગ ફકત ૨ ટકા જેટલો જ છે. પરંતુ એકિસડેન્ટલ મોત મામલે ૩૬ ટકા ફાળો છે. ૨૦૧૯માં નેશનલ હાઈવે પર ૨૦૧૯માં કુલ ૫૩,૮૭૨ લોકોના જીવ ગયા છે જયારે સ્ટેટ હાઈ વે પર ૩૮,૪૭૨ લોકોના જીવ ગયા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે 'દેશના તમામ રોડ પૈકી સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવેના ફાળે કુલ ૫ ટકા રોડ આવે છે. પરંતુ જયારે એકિસડેન્ટ અને તેનાથી મૃત્યુની વાત આવે ત્યારે તેમની ટકાવારી ખૂબ જ વધારે ૫૫ ટકા જેટલી થઈ જાય છે.' આ ઉપરાંત નેશનલ હાઈવે પર જયાં વધુ એકિસડેન્ટલ મોતની સંખ્યા છે તેવા હાઈવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના હસ્તક છે. જે મોટાભાગે ૪ લેન અથવા તેનાથી વધારે છે. સ્ટેટ પીડબ્લ્યુડી અને કેન્દ્ર સરકારની અન્ય એજન્સીઓ હસ્તક રહેલા નેશનલ હાઈવે સાંકળા છે.

તેમજ આવા હાઈવે જે શહેર અને ગામમાંથી પસાર થાય છે ત્યાં લોકો દૈનિક અવરજવરમાં તેનો ઉપયોગ કરે છે જેના કારણે અનેક અકસ્માત સર્જાય છે. આશરે ૭૭૪૯ પગપાળા લોકોએ નેશનલ હાઇવે પર જીવ ગુમાવ્યો છે. તો ૧૮૦૦૦ જેટલા ટુવ્હિલર ચાલકોએ નેશનલ હાઇવે પર જીવ ગુમાવ્યો છે. જે દર્શાવે છે કે આ પ્રકારના વાહનો માટે અલગથી રોડની રચના હોવી જોઈએ. તેમજ ૨૦૧૯માં જીવ ગુમાવનારા પૈકી ૧૧,૧૬૮ લોકો ૧૮ વર્ષથી ઓછી વયના હતા. જોકે આ આંકડો ૨૦૧૮ કરતા ૧૨ ટકા જેટલો ઓછો છે.

(10:18 am IST)