Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

દેશના દરેક લોકોને કોરોના વેકસીન ફ્રીમાં મળશે

કેન્દ્રિય મંત્રી પ્રતાપ મારંગીનું મહત્વનું નિવેદન

નવી દિલ્હી, તા.૨૬: ભારતીય જનતા પાર્ટીએ બિહાર વિધાનસભાની ચૂંટણી માટેના ઠરાવ પત્રમાં કોરોનાની વેકસીન ફ્રીમાં આપવાનું વચન આપ્યું છે. આ વચન બાદ દેશમાં એક અલગ જ પ્રકારની ચર્ચા ચાલી રહી છે. ઘણા વિપક્ષી પાર્ટીઓ અને રાજય સરકારોએ આ પર સવાલો ઉઠાવ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રતાપ સારંગીનું મોટું નિવેદન સામે આવ્યું છે. કેન્દ્ર સરકારમાં મંત્રી પ્રતાપ સારંગી કહે છે કે ઓડિશાના બાલાસોરમાં કેન્દ્રીય મંત્રી પ્રતાપ સારંગીએ કહ્યું કે પીએમ મોદીએ કહ્યું છે કે દરેકને કોરોના રસી મફતમાં મળશે, એક વ્યકિતને કોરોનાની રસી પૂરી પાડવા માટેનો ખર્ચ પાંચસો રૂપિયા થશે. બાલાસોરમાં પેટા-ચૂંટણીઓ યોજાવાની છે અને પ્રતાપ સારંગી ત્યાં પ્રચાર માટે ગયા હતા. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ પણ રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું હતું કે ભારતના વૈજ્ઞાનિકો વેકસીન માટે કામ કરી રહ્યા છે અને જલ્દી જ વેકસીન આવશે.

બિહારમાં ભાજપના વચન બાદ અનેક રાજકીય પક્ષોએ આ નીતિ પર સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓએ પૂછ્યું હતું કે શું દેશમાં કોવિડ રસી રાજયોની ચૂંટણી પ્રમાણે ઉપલબ્ધ થશે? સરકારે કોરોનાની રસી દેશની સામે વહેંચવાની નીતિ મૂકવી જોઈએ અને તે બધાને વિના મૂલ્યે પ્રદાન કરવી જોઈએ.

અત્યાર સુધીમાં તમિલનાડુ, મધ્યપ્રદેશ, આસામ, પુડ્ડુચેરીની રાજય સરકારોએ તેમના નાગરિકો માટે મફત રસી જાહેર કરી છે. જયારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દેશભરમાં નિઃશુલ્ક રસી આપવાની અપીલ કરી છે.  કેન્દ્ર સરકારે કોવિડ રસી વિતરણનું કામ કરવાનું શરૂ કર્યું છે. એક અંદાજ મુજબ સરકારે આ માટે અત્યાર સુધીમાં ૫૦ હજાર કરોડ રૂપિયાનું બજેટનું અનુમાન રખાયું છે.

(10:18 am IST)