Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

કોરોના મામલે ગુડ ન્યુઝ

ગયા સપ્તાહે કેસ-મોતના આંકડામાં ધરખમ ઘટાડો

૧૯ થી ૨૫ ઓકટોબરના આંકડા દર્શાવે છે કે કોરોના થાકયો : તે પહેલા સપ્તાહ કરતાં ૧૬% ઓછા : મોત પણ ૧૯% ઓછા

નવી દિલ્હી,તા.૨૬ : ગત સપ્તાહ કોરોના મામલે ભારતમાં અત્યાર સુધીનું સૌથી સારૂ સપ્તાહ રહ્યું છે. ખૂબ જ આશ્ચર્યજનક રીતે ૧૯ થી ૨૫ ઓકટોબર વચ્ચે દેશમાં નવા સંક્રમણ અને મૃત્યુદર બંનેમાં અનુક્રમે ૧૬ ટકા અને ૧૯ ટકાનો ઘટાડો નોંધાયો છે.

ભારતમાં આ સપ્તાહમાં કુલ ૩.૬ લાખ નવા કોરોના કેસ નોંધાયા છે. જે છેલ્લા ત્રણ મહિનામાં સૌથી મોટો ઘટાડો છે. આ પહેલા ૨૦થી ૨૬ જુલાઈના સપ્તાહમાં ૩.૨ લાખ કોરોના કેસ નોંધાયા હતા. આ આંકડો તેની પહેલાના સપ્તાહ કરતા ૧૫.૭ ટકા નીચો છે. જે કોરોના મહામારી ભારતમાં આવી ત્યારબાદનો સૌથી મોટો ઘટાડો છે. તે સપ્તાહમાં ભારતમાં લગભગ ૪.૩૦ લાખ કેસ નોંધાયા હતા.

 સપ્ટેમ્બર ૭-૧૩ દરમિયાન નોંધાયેલા ૬,૪૫,૦૧૪ સંક્રમણના શિખરથી નવા કોવિડ -૧૯ કેસોમાં  ઘટાડો થવાનું આ છઠ્ઠું સપ્તાહ હતું, જે ભારતમાં રોગચાળો ફેલાવવામાં સતત  ઘટાડો દર્શાવે છે.

 દરમિયાન, રવિવારે ભારતે વધુ એક સકારાત્મક લક્ષ્ય હાંસલ કર્યું છે. જેમાં રિકવરીની ટકાવારીના તમામ કેસમાં ૯૦%ને વટાવી ગઈ છે. અમારા સહયોગી TOIના ડેટાબેઝ મુજબ, અત્યાર સુધીમાં કુલ કેસના ભારણમાંથી, લગભગ ૭૧.૩ લાખ લોકો આ ચેપમાંથી પુનઃસ્વસ્થ થયા છે. ગયા અઠવાડિયા કરતા વાયરસથી મૃત્યુદરમાં ૧૯%નો  ઘટાડો આ સપ્તાહમાં નોંધાયો છે. ગત અઠવાડિયે ૫,૪૫૫ની સરખામણીએ આ અઠવાડિયે ભારતમાં કોવિડ -૧૯ના કારણે માત્ર ૪,૪૦૦ જેટલી જાનહાનિ નોંધાઈ હતી. સપ્ટેમ્બર ૧૪-૨૦ દરમિયાન મૃત્યુનો આંકડો ૮,૧૭૫ની ટોચ પર પહોંચ્યા પછી સતત પાંચ અઠવાડિયાથી મૃત્યદર પણ  ઘટી રહ્યા છે.

 રવિવારે લગભગ તમામ રાજયોમાં કોરોના કેસની સંખ્યામાં  ઘટાડો નોંધાયો હતો, જોકે તેને નિષ્ણાંતો રવિવાર ઉપરાંત દશેરા અને દુર્ગાપૂજાના તહેવારો સાથે પણ જોડે છે. આ દિવસોમાં સ્ટાફ ઓછો હોવાથી ઓછા લોકોનું ટેસ્ટિંગ થાય છે તેના પરિણામ સ્વરૂપ દર સપ્તાહમાં સોમવારે કોરોના કેસની સંખ્યામાં મોટો  ઘટાડો જોવા મળે છે. જોકે દિલ્હી તેમાં અપવાદ છે. અહીં રવિવારે નવા કોરોના કેસનીં સંખ્યા ૪,૧૩૬ પહોંચી છે. જે છેલ્લા ૩૮ દિવસોમાં મોટો વધારો છે.

(10:17 am IST)