Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

હરિયાણામાં તમારે સમાધાન કરવું પડ્યું ને ? શિવસેનાએ ભાજપને સામનામાં માર્યો ટોણો

રાહુલ ગાંધીને બિરદાવી કહ્યું હરિયાણામાં રાહુલના પ્રચારે રંગ રાખ્યો

મુંબઈ : શિવસેનાએ ફરી એકવાર ભાજપને ટોણો માર્યો હતો. પોતાના મુખપત્ર સામનામાં પ્રગટ થયેલા અગ્રલેખમાં શિવસેનાએ પૂછ્યું હતું કે હરિયાણામાં તમારે સમાધાન કરવું પડ્યું ને ? એ જ રીતે મહારાષ્ટ્રમાં પણ કરવું પડશે. અમારી સાથે યુતિ કર્યા વિના છૂટકો નથી.

અગ્રલેખમાં વધુમાં જણાવાયું હતું કે તમારો વિજયઘોડો 40ના આંકડા પર અટકી ગયો હતો. હવે બહુ ગુમાન નહીં કરો. 'મહારાષ્ટ્રમાં 220નો આંકડો પાર ન પડ્યો એમ હરિયાણામાં અબ કી બાર પચહત્તર કી બારનો નારો ચાલ્યો નહીં. ઘોડો 40 પર અટકી ગયો. કોંગ્રેસ પક્ષે ધાર્યા કરતાં સારો દેખાવ કર્યો અને 31 બેઠકો પર કબજો જમાવી લીધો.'

આ અગ્રલેખમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને બિરદાવવામાં આવ્યા છે કે મહારાષ્ટ્રમાં ભલે રાહુલે પ્રચારમાં બહુ ઉત્સાહ ન દેખાડ્યો પરંતુ હરિયાણામાં રાહુલે સભાઓ સંબોધી અને રેલીઓ પણ યોજી.

ભલે કોંગ્રેસ હરિયાણામાં સત્તા મેળવી નથી શકી પરંતુ રાહુલના પ્રચારે રંગ રાખ્યો છે. કોંગ્રેસનો દેખાવ જોતાં જેની પણ નવી સરકાર આવે, એને માટે પહેલાંની જેમ સ્વચ્છંદી રીતે કામ કરવાનું સહેલું નહીં હોય.

(12:05 pm IST)