Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

ભાજપ મધ્‍યપ્રદેશ ચૂંટણીમાં ગુજરાત ફોર્મ્‍યૂલા લાગુ કરી શકે છેઃ શિવરાજસિંહને રિપીટ કરાશે?

કેન્‍દ્રમાંથી રાજ્‍યમાં મોકલાયેલ નેતાઓએ મુખ્‍યમંત્રી પદની મહત્‍વાકાંક્ષા વ્‍યક્‍ત કરીઃ વિજયવર્ગીયનું નામ મોખરેઃ સિંધિયાને મેદાનમાં ઉતરાય તો સમીકરણ બદલી શકે છે

નવી દિલ્‍હી,તા.૨૬:  ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે કે, કાર્યકાળ પૂરો થાય તે પહેલા જ મુખ્‍યમંત્રીને બદલી નાખે છે. ઉત્તરાખંડ, ત્રિપુરાથી લઈને ગુજરાત સુધી આ પરંપરા એક સરખી જ દેખાય છે. મધ્‍યપ્રદેશ એકમાત્ર એવું રાજ્‍ય છે જ્‍યાં શિવરાજ સિંહ ચૌહાણ ૨૦ વર્ષથી સત્તા પર રહ્યા છે. ભાજપ તેમના પર નિર્ભર છે, પરંતુ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં સમીકરણો અલગ હોઈ શકે છે.

સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, મધ્‍ય પ્રદેશની ચૂંટણીમાં પણ ભાજપ ગુજરાત ફોર્મ્‍યૂલા અપનાવી શકે છે. જો આમ થયું તે શિવરાજ સિંહ ચૌહાણનું પત્તું કપાઈ શકે છે.

ભારતીય જનતા પાર્ટીએ જે સાંસદોને મેદાનમાં ઉતાર્યા છે તે તમામ સાંસદો મુખ્‍યમંત્રી પદના પ્રબળ દાવેદાર છે. ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયથી લઈને નરેન્‍દ્ર તોમર સુધી, મધ્‍યપ્રદેશની રાજકીય લડાઈમાં ઉતરેલા આ ચહેરાઓ રાજ્‍યમાં મુખ્‍યમંત્રી કરતા ઓછા સક્રિય નથી. આ લોકો પણ પોતાને મુખ્‍યમંત્રી પદના પ્રબળ દાવેદાર માને છે.

ભાજપ ભલે અત્‍યારે શિવરાજ પર ભરોસો રાખતો હોય તેમ લાગી રહ્યું છે, પરંતુ કેન્‍દ્રમાંથી રાજ્‍યમાં મોકલવા તૈયાર થયેલા નેતાઓએ મુખ્‍યમંત્રી પદની મહત્‍વાકાંક્ષા વ્‍યક્‍ત કરી છે. વિધાનસભા ચૂંટણી માટે ૩૯ ઉમેદવારોની બીજી યાદીમાં ઘણા દિગ્‍ગજ લોકોના નામ છે. ત્રણ કેન્‍દ્રીય મંત્રીઓ પણ ચૂંટણી લડી ચુકયા છે. સીએમ બનવા ઈચ્‍છુક નેતાઓમાં કૈલાશ વિજયવર્ગીય પ્રથમ ક્રમે છે.

કળષિ મંત્રી નરેન્‍દ્ર સિંહ તોમર, ફગ્‍ગન સિંહ કુલસ્‍તે અને પ્રહલાદ પટેલ જેવા નેતાઓની મહત્‍વાકાંક્ષાઓ પણ દરરોજ સામે આવે છે. આવી સ્‍થિતિમાં શિવરાજ સિંહની ભૂમિકામાં ફેરફાર કરીને તેમને કેન્‍દ્રમાં મોકલવામાં આવશે કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે. કેન્‍દ્રીય નેતાઓને રાજ્‍યમાં મોકલવા પાછળની આ રણનીતિ હોવાનું જણાય છે.

હવે જો ભાજપ વિધાનસભા ચૂંટણીમાં જ્‍યોતિરાદિત્‍ય સિંધિયાને મેદાનમાં ઉતારે છે તો સમીકરણો આ પ્રકારના હશે, જેમાં માનવામાં આવી રહ્યું છે કે હવે શિવરાજ સિંહ ચૌહાણની ભૂમિકા બદલાઈ શકે છે.કેન્‍દ્રીય મંત્રીઓ સિવાય નરોત્તમ મિશ્રા જે રીતે પોતાનો દાવો રજૂ કરે છે તેના પરથી લાગે છે કે તેઓ મુખ્‍યમંત્રીનો ચહેરો હોવા જોઈએ. દરેક મુદ્દે શિવરાજ સમક્ષ તેમના નિવેદનો આવે છે. મુખ્‍યમંત્રી બનવાની તેમની મહત્‍વાકાંક્ષા જાણીતી છે.

શિવરાજ સિંહ ચૌહાણ ભાજપના દિગ્‍ગજ નેતાઓમાંથી એક છે. જો પક્ષ તેમને ટિકિટ નહીં આપે તો પણ તેઓ બળવાખોર ભૂમિકા ભજવી શકશે નહીં. તેમને અપાર જનસમર્થન છે, તે સાચું છે. તેમના ઘણા ધારાસભ્‍યો વફાદાર છે પરંતુ શિવરાજ પોતે ઘણી વખત કહી ચૂકયા છે કે તેઓ હંમેશા પાર્ટીના નિર્ણયનું સન્‍માન કરે છે. જ્‍યારે પણ તેમને રોલ બદલવા વિશે પૂછવામાં આવ્‍યું ત્‍યારે તેમણે સરળતાથી જવાબ આપ્‍યા છે.

(4:56 pm IST)