Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

દિવાળી સુધીમાં સોનાના ભાવ ૫૪ હજારને પાર કરે તેવી શક્‍યતા

નવરાત્રી, દિવાળી બાદ લગ્ન સિઝન શરૂ થતાં જ સોનામાં તેજી આવી શકે : શનિવારે સવારે ભાવ ૫૧,૮૦૦ હતો જે સાંજે ઘટીને ૫૧,૧૦૦ થયો

મુંબઇ તા. ૨૬ : દિવાળી સુધીમાં ગોલ્‍ડના ભાવ ૫૪ હજારને પાર કરી જાય તેવી શક્‍યતા સેવાઈ રહી છે. જોકે હવે તહેવારો શરૂ થતા ગોલ્‍ડ માર્કેટમાં ખરીદી પણ જોવા મળશે. શ્રાદ્ધના કારણે જવેલરી પર બ્રેક વાગી જતાં ધંધામાં મંદી જોવા મળી હતી. હવે નવરાત્રી શરૂ થતાં જ ફરી એકવાર ગ્રાહકો જવેલરી શો-રૂમમાં જોવા મળશે. શનિવારે સવારે બજાર ખૂલતાની સાથે ૧૦ ગ્રામ ગોલ્‍ડનો ભાવ રૂપિયા ૫૧,૮૦૦ હતો, જે સાંજે બજાર બંધ થતી વખતે ભાવ ઘટીને ૫૧,૧૦૦ નોધાયો હતો. આમ ૭૦૦ રૂપિયા ભાવ ઘટી ગયો હતો.

નવરાત્રીના નવ દિવસ પણ ખરીદીઓ થાય તેવી જવલર્સોને આશા છે ત્‍યાર બાદ દિવળીના દિવસો નજીક આવતા જ ખરીદીઓ જોવા મળશે. ડિસેમ્‍બર, જાન્‍યુઆરી અને ફેબ્રુઆરીમાં પણ એનઆરઆઇ વેડિંગ અને ગુજરાતમાં લગ્નની સિઝન શરૂ થતી હોવાથી ગોલ્‍ડના ભાવ ૫૪ હજાર સુધી પહોંચી શકે છે. ગત વર્ષે .ડિસેમ્‍બરથી ફેબ્રુઆરી સુધી જવેલર્સોના શો-રૂમોમાં ખરીદીઓ જોવા મળી હતી. કોરોના કાળના બે વર્ષમા ધંધા ઠપ થઇ ગયા હતા. જે ફરી ધમધમતા થઇ ગયા છે. ગોલ્‍ડની આયાતમાં પણ વધારો થયો છે.

હાલ તૈયાર જવેલરીની સાથે ગોલ્‍ડ કોઇનની પણ ડિમાન્‍ડ વધારે છે. કેટલાક લોકો એડવાન્‍સ મેન્‍ટ કરીને જવેલરીની ડિઝાઇન પસંદ કરીને પણ દાગીના બનાવવા આપી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્‍યું છે. મોટાભાગે વિવિધ ડિઝાઈનવાળી સોનાની ચેઇન, હાથમાં પહેરવાની લક્કી, ડાયમંડ રિંગ અને કાનની બુટ્ટીઓની ગ્રાહકો વધારે ખરીદી કરે છે.

(10:26 am IST)