Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

જાતિ આધારિત વસ્તી ગણતરી મામલે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારલડાયક મૂડમાં

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરી રહ્યા છે : સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે પણ સ્પષ્ટ જણાવી દીધું છે કે, તે જાતિ આધારિત વસ્તી ગણતરી નહીં કરાવે

નવી દિલ્હી, તા.૨૬ : બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર જાતિ આધારિત વસ્તી ગણતરીની હઠ પકડી છે. જોકે, સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ જણાવી દીધું છે કે, તે જાતિ આધારિત વસ્તી ગણતરી નહીં કરાવે. આ મુદ્દે નીતિશ કુમાર ૧૦ પક્ષોના પ્રતિનિધિઓની સાથે પીએમ મોદીને પણ મળી ચૂક્યા છે. હવે, તેમણે કહ્યું કે, તેઓ દિલ્હીથી પટણા પહોંચ્યા પછી આ મામલે બેઠક કરશે.

દિલ્હીના મુખ્યમંત્રી નીતિશ કુમાર નક્સલવાદ મામલે ગૃહ મંત્રી અમિત શાહની સાથે બેઠકમાં સામેલ થયા હતા. મીટિંગ પછી સીએમ નીતિશ કુમારે મીડિયા સાથે વાત કરી. આ દરમિયાન તેમણે ફરી એક વખત જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાની માંગ કરી. તેમણે સ્પષ્ટ કહ્યું કે, 'અમે લોકોએ જાતિ આધારિત વસ્તી ગણતરીની વાત કરી છે તે તદ્દન સાચી છે. અમે લોકો પહેલેથી કહી રહ્યા છીએ કે, જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ. જ્યારે ગણતરી થઈ જશે ત્યારે બધું સ્પષ્ટ થઈ જશે.

જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દે તેમણે કહ્યું કે, '૨૦૧૧માં વ્યવસ્થિત રીતે જાતિની ગણતરી નહોંતી થઈ. જાતિ આધારિત વસ્તી ગણતરી જો થશે તો યોગ્ય રહેશે. દરેક ઘરેથી બધી જાણકારી લેશે તો બધી વાત સ્પષ્ટ થઈ જશે. એવી કોઈ જાતિ નથી જેમાં ઉપજાતિ ન હોય. જો જાતિના આધાર પર ગણતરી નહીં થાય તો અમે તેને યોગ્ય નથી માનતા. બિહારના બધા પક્ષોના લોકોએ જાતિ આધારિત ગણતરીની માંગ કરી છે. આ મુદ્દે વિધાનમંડળે સર્વસંમતિથી પ્રસ્તાવ પાસ કર્યો છે. અમે તો એ જ આગ્રહ કરીશું કે નિર્ણય પર ફેર વિચારણા કરવામાં આવે અને જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવાય.

નીતિશ કુમારે કહ્યું કે, 'અમે લોકો બિહારમાં ફરી એક વખત બેઠક કરીશું અને વિચાર કરીશું. દરેકને ખબર છે કે, અમારી ઈચ્છા શું છે? જાતિ આધારિત વસ્તી ગણતરી દેશહિતમાં છે.

મુખ્યમંત્રી નીતિશ કુમારને જ્યારે પૂછવામાં આવ્યું કે, જો કેન્દ્ર સરકાર તમારી માંગ નહીં માને તો શું અલગ થઈ જશો? તેના પર તેમણે કહ્યું કે, આ તો અલગ અને ભવિષ્યની વાત છે. શું દેશભરની પાર્ટીઓને આ મુદ્દા પર એક કરશો? તેના પર તેમણે કહ્યું કે, આ તો અલગ વાત છે. પહેલા અમે બિહારમાં બેઠક કરીશું અને તેના પર વિચાર કરીશું.

(9:09 pm IST)