Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

પાર્ટીમાં બોલાવીને મહિલા પોલીસ કોન્સ્ટેબલ પર ગેંગરેપ

મધ્યપ્રદેશના નીમચ જિલ્લાની ઘટના : સોશિયલ મીડિયા પર થઈ હતી ફ્રેન્ડશીપ, દુષ્કર્મનો વિડીયો પણ બનાવ્યો : આરોપી અને તેની માતા ઝડપાઈ

ઈન્દોર, તા.૨૬ : મધ્યપ્રદેશના નીમચ જિલ્લામાં એક મહિલા કોન્સ્ટેબલ પર સામુહિક બળાત્કારની ઘટના સામે આવી છે આ ઘટનામાં પાંચ લોકો સંડોવાયેલા છે. જેમાંથી મુખ્ય આરોપી અને તેની માતાની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે. પોલીસના જણાવ્યા અનુસાર મહિલા કોન્સ્ટેબલની સોશિયલ મીડિયા પર પવન નામના યુવક સાથે મિત્રતા થઈ હતી. પવને જ મહિલા કોન્સ્ટેબલને જન્મદિવસની પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું અને પાર્ટીમાં જ સામુહિક દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, મહિલા કોન્સ્ટેબલ મૂળ નીમચની છે અને હાલમાં તે ઈન્દોરમાં તૈનાત છે. કોન્સ્ટેબલે નીમચમાં જ ફરિયાદ નોંધાવી છે. મીડિયા સાથે વાત કરતા પોલીસ અધિકારીએ કહ્યું કે લગભગ પાંચ મહિના પહેલા મહિલા કોન્સ્ટેબલે સોશિયલ મીડિયા પર પવન નામના યુવક સાથે મિત્રતા થઈ હતી.

             મિત્રતા બાદ બંને વચ્ચે વાતચીત આગળ વધી હતી. આ દરમિયાન પવને મહિલા કોન્સ્ટેબલને જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપવા માટે ઈન્વાઈટેશન આપ્યું છે. પવને બોલાવતા મહિલા કોન્સ્ટેબલ જન્મદિવસની પાર્ટીમાં પહોંચી હતી. આ દરમિયાન પવન અને તેના સાથીઓએ તેની સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો. આ કેસમાં કુલ પાંચ લોકોને આરોપીની સંડોવણી હોવાનું સામે આવતા પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં ૨૦ સપ્ટેમ્બરના રોજ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતે મુજબ પોલીસે આ કેસમાં અત્યાર સુધી મુખ્ય આરોપી પવન અને તેની માતા નિર્મલા લોહરની ધરપકડ કરી છે. પીડિતાએ પવનની માતા સામે ડરાવવા અને ધમકાવવાનો કેસ દાખલ કર્યો હતો. જો કે, આ કેસના અન્ય આરોપીઓ ધીરેન્દ્ર, વિજય અને ઓમપ્રકાશ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. જેથી સ્થાનિક પોલીસ દ્વારા તમામની શોધખોળ કરવામાં આવી રહી છે. આરોપીઓએ ગેંગરેપની ઘટનાનો વીડિયો શૂટ કર્યો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની ધમકી આપી. પોલીસ અધિક્ષક સૂરજ વર્માએ જણાવ્યું હતું કે, પીડિતા મુજબ પવનની માતાએ તેને ધમકી પણ આપી હતી અને અન્ય એક સંબંધીએ પણ પૈસાની માંગણી કરી હતી.

(7:13 pm IST)