Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અમેરિકા પ્રવાસ 'સુપર બિઝી' : અમેરિકા પ્રવાસ દરમિયાન સતત અનેક બેઠકોમાં સામેલ થયા

પીએમ મોદીએ 22 સપ્ટેમ્બરના રોજ વિમાનમાં બે બેઠક યોજી અને ત્યારબાદ 3 બેઠક હોટલમાં કરી: 23 સપ્ટેમ્બરે અમેરિકાની દિગ્ગજ કંપનીઓના સીઈઓ સાથે પાંચ બેઠકો કરી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અમેરિકા પ્રવાસ 'સુપર બિઝી' રહ્યો. તેઓ પોતાના અમેરિકા પ્રવાસ દરમિયાન સતત અનેક બેઠકોમાં સામેલ થયા. પીએમ મોદી લગભગ 65 કલાક અમેરિકામાં રહ્યા અને આ દરમિયાન તેઓ 20 બેઠકોમાં સામેલ થયા. આ ઉપરાંત તેમની ચાર ખુબ જ લાંબી મીટિંગ ફ્લાઈટની અંદર પણ થઈ એટલે કે અમેરિકા પ્રવાસે ગયેલા પીએમ મોદીએ કુલ 24 બેઠક કરી. આ આંકડાઓથી તમે અંદાજો લગાવી શકો છો કે પીએમ મોદીના અમેરિકી પ્રવાસનું શેડ્યૂલ કેટલું વ્યસ્ત રહ્યું.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અમેરિકા જતી વખતે અને ત્યાંથી પાછા ફરતી વખતે પ્રધાનમંત્રીએ વિમાનમાં અધિકારીઓ સાથે ચાર મોટી બેઠક કરી હતી. પીએમ મોદીએ 22 સપ્ટેમ્બરના રોજ વિમાનમાં બે બેઠક યોજી અને ત્યારબાદ 3 બેઠક હોટલમાં કરી. 23 સપ્ટેમ્બરે અમેરિકાની દિગ્ગજ કંપનીઓના સીઈઓ સાથે પાંચ બેઠકો કરી.

ત્યારબાદ પીએમ મોદીની અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે બેઠક થઈ. આ ઉપરાંત જાપાનના પીએમ યોશિહિદે સુગા, ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન સાથે દ્વિપક્ષીય વાર્તા કરી. પ્રધાનમંત્રીએ ત્રણ આંતરિક બેઠકોની પણ અધ્યક્ષતા કરી.

 24 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી અને ત્યારબાદ ક્વાડના શિખર સંમેલનમાં સામેલ થયા. આ ઉપરાંત તેમણે ચાર આંતરિક બેઠકો પણ કરી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ 25 સપ્ટેમ્બરના રોજ અમેરિકાથી ભારત રવાના થતા પીએમ મોદીએ વિમાનમાં બે બેઠક કરી.

(3:12 pm IST)