Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

વિભાજન માત્ર પ્રદેશનું જ નહીં મન પણ વિભાજિત થયું પરસ્પરના મનભેદને દુર કરવા રીતો શોધવાની જરૂર

સંઘના નેતા રામ માધવએ કહ્યું અલગતાવાદી વિચારમાં માનનારા તત્વોને નિરાશ કરવાની જરૂર

નવી દિલ્હી :  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના નેતા રામ માધવે કહ્યું હતું કે, ભારતનું વિભાજન માત્ર પ્રદેશનું જ થયું ન હતું, પણ મન પણ વિભાજિત થયું હતું. તેમણે કહ્યું કે પરસ્પરના મનભેદને દુર કરવા માટે રીતો શોધવાની જરૂર છે. આ સાથે જ અલગતાવાદી વિચારમાં માનનારા તત્વોને નિરાશ કરવાની જરૂર છે.

માધવે કહ્યું કે, ‘અખંડ ભારત’ના વિચારને માત્ર ભૌતીક સીમાઓને એક કરવાના વિચાર તરીકે જોવો જોઈએ નહીં. પરંતુ વિભાજનની ભયાનકતા દ્વારા સર્જાયેલા માનસિક અવરોધોને દૂર કરવાના પ્રયાસ તરીકે પણ સમજવો જોઈએ. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી દ્વારા ‘વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ’ પર આયોજિત આંતરરાષ્ટ્રીય વેબિનારને સંબોધતા માધવે જણાવ્યું હતું.

આરએસએસની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય માધવે વિભાજનને “પ્રલયકારી ઘટના” તરીકે વર્ણવ્યું જે ખોટા નિર્ણયોને કારણે થયું. તેમણે કહ્યું, "ભારતનું વિભાજન તે સમય દરમિયાન અન્ય ઘણા દેશોના વિભાજન જેવું નહોતું. તે માત્ર સરહદોનું વિભાજન નહોતું, તે ખોટા સિદ્ધાંત પર કરવામાં આવ્યું હતું કે હિન્દુઓ અને મુસ્લિમો અલગ રાષ્ટ્ર હતા જ્યારે તેઓ અલગ અલગ પ્રથાઓને અનુસરીને એક સાથે રહેતા હતા."

ભાગલાએ મહત્વના પાઠ પણ શીખવ્યા છે અને આપણે ભૂતકાળની તે ભૂલોમાંથી શીખવું જોઈએ અને વિભાજિત લોકો વચ્ચે “પુલ બાંધવાનો” પ્રયાસ કરવો જોઈએ. તેમણે કહ્યું કે ભારતનું વિભાજન માત્ર પ્રદેશનું વિભાજન જ ન હતું, પરંતુ મન પણ વિભાજિત થયા હતા.

માધવે કહ્યું, "આપણે મનના વિભાજનની દિવાલો તોડીને એક સંયુક્ત ભારતીય સમાજ બનાવવો પડશે, જેથી ભવિષ્યમાં ભારતને ભાગલાની બીજી દુર્ઘટનાનો સામનો કરવો ન પડે અને આગળનું પગલું પુલ બનાવવાનું રહેશે. આપણે પુલ બનાવવાની રીતો શોધવી પડશે, તો જ વિભાજનને (અસરોનું) સાચા અર્થમાં નિષ્પ્રભાવી કરી શકાશે. ભલે ભૌગોલિક, રાજકીય અને ભૌતીક સીમાઓ અકબંધ રહે તો પણ માનસિક અવરોધો, વિભાજિત હૃદયની સીમાઓ દૂર કરવી જ જોઇએ.

માધવે કહ્યું, વાસ્તવમાં આપણે ‘અખંડ ભારત’ના સમગ્ર વિચારને આ દ્રષ્ટિકોણથી જોવો જોઈએ, ભૌતિક સીમાઓને દૂર કરવાના દૃષ્ટિકોણથી નહીં. પરંતુ મનના તે અવરોધો દૂર કરવા જોઈએ, જે ભાગલાની ભયાનક ગાથાને કારણે ઉભા થયા. કાર્યક્રમને સંબોધતા ભાજપના વરિષ્ઠ નેતા અને ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરીષદ (ICCR) ના પ્રમુખ વિનય સહસ્ત્રબુદ્ધેએ 14 ઓગસ્ટના દિવસને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.

 

સહસ્ત્રબુદ્ધેએ કહ્યું કે ભાગલાના પક્ષોને “બિનસાંપ્રદાયિકતાના ધ્વજ વાહકોને નાબૂદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દિવસ એટલા માટે પણ મહત્વનો છે કારણ કે તે અમારા સંકલ્પને વધુ મજબૂત બનાવે છે કે અમે અમારી પવિત્ર માતૃભૂમિને વિભાજીત કરવાના વધુ પ્રયાસોને સહન નહીં કરીએ.”

સહસ્ત્રબુદ્ધેએ ભાગલાની ભયાનકતા અને તે સમય દરમિયાન હત્યા, અગ્નિદાહ, લૂંટ અને બળાત્કારની ઘટનાઓને એક પ્રકારનો આતંકવાદ ગણાવ્યો અને કહ્યું કે આ દિવસને યાદ રાખવાથી વિભાજકો સામેના આક્રોશને અવાજ મળશે. તેમણે કહ્યું કે તેનાથી તે પરિવારોની વેદના પણ હળવી થશે જે ભાગલાથી પ્રભાવિત થયા હતા.

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એમ જગદેશ કુમારે જણાવ્યું હતું કે, ભાગલાનો પાયો “બીજા વિશ્વયુદ્ધ સમયે” નાખવામાં આવ્યો હતો, જ્યારે અંગ્રેજોએ જિન્ના સાથે કરાર કર્યો હતો, જે ભારતના ભાગલા માટે તેમની મદદ કરવાના હતા. કુમારે કહ્યું કે બંનેએ પોતાના લક્ષ્‍યોને હાંસલ કરવા માટે ઘર્મનો એક હથીયાર તરીકે ઉપયોગ કર્યો.

(12:31 am IST)