Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

રાજકોટમાં કુલ કેસનો આંક ૫૭૦૦એ પહોંચ્યોઃ બપોર સુધીમાં નવા ૪૪ કેસ

છેલ્લા ૬ મહિનામાં ૧.૯૯ લાખ લોકોનાં ટેસ્ટ કરાયાઃ ગઇકાલે ૧૦૫ દર્દીઓ સાજા થતા કુલ ૪૫૦૩ લોકો ડિસ્ચાર્જ થતાં રિકવરી રેટ ૭૯.૬૧ ટકા થયો

રાજકોટ,તા.૨૬: સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો રહ્યો છે ત્યારે તેમાંં રાજકોટ પણ બાકાત નથી . આજે બપોરનાં વધુ ૪૪ રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કેસનો આંક ૫૭૦૦એ પહોંચ્યો છે. તમામની સારવારની વ્યવસ્થા તથા પોઝીટીવ વ્યકિતનાં કોન્ટેકટમાં આવેલ લોકોને કોરન્ટાઇન કરવા સહીતની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૪૪ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૫૭૦૦  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૪૫૦૩ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૭૯.૬૫ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૪૯૯૦ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૧૧૧ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૨૨ ટકા થયો  હતો. જયારે ૧૦૫ દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  છ  મહિનામાં એટલે કે માર્ચ થી આજ દિન સુધીમાં ૧,૯૯,૨૨૧લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી૫૭૦૦ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૨.૮૩ ટકા થયો છે.

નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં ગઇકાલની સ્થિતિએ વિદ્યુતનગર- નાના મૌવા રોડ, નહેરૂ નગર, મારૂતિ પાર્ક - સત્ય સાંઇ રોડ, સતાધાર પાર્ક, પરમેશ્વર સોસાયટી- મવડી, ગુલાબ વિહાર સોસાયટી- ૧૫૦ ફુટ રીંગ રોડ, લક્ષ્મીવાડી, ભકિતનગર સોસાયટી, ગાયત્રીનગર- બોલબાલા માર્ગ  સહિતના વિસ્તારોમાં ૮૭ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન (એટલે કે કોરોના પોઝિટિવનું મકાન અને તેની આસપાસના બેથી ત્રણ મકાનના વિસ્તારનો ૧ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન) કાર્યરત છે.

૪૯ હજાર ઘરોનો સર્વેઃ ૧૯ લોકોને તાવ, શરદી-ઉધરસના લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૪૯,૨૮૭ ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૧૭ વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.   જ્યારે સેન્ટ્રલ જેલ સ્ટાફ કવાર્ટસ, સંતોષીનગર, પોપટપરા, રેસકોર્સ પાર્ક, ધરમનગર, ગાંધીગ્રામ, ગીતાનગર, સદર બજાર, માસ્તર સોસાયટી, અંબિકા ટાઉનશીપ સહિતનાં વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૧૧,૧૯૦ લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

(2:47 pm IST)