Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

ગિલગિટ-બાલ્ટીસ્તાનમાં ૧૫ નવેમ્બરે ચૂંટણી યોજાશે

વિપક્ષોના વિરોધ છતાં આર્મી ચૂંટણી યોજવા મક્કમ : પાક. સેના વડા બાજવાએ વિપક્ષો સાથેની બેઠકમાં ચૂંટણી માટે સહકાર માગી સાથ ન આપનારને ધમકી આપી હતી

નવી દિલ્હી, તા. ૨૫ : પાકિસ્તાનના કબજા હેઠળના ગિલગિટ અને બાલ્ટિસ્તાનમાં ૧૫મી નવેમ્બરે ચૂંટણી યોજવાની જાહેરાત કરાઈ છે. પાકિસ્તાનના આર્મીના નિર્ણય સામે વિપક્ષોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. પાકિસ્તાની લશ્કરના વડા જનરલ બાજવાએ તાજેતરમાં દેશના તમામ વિરોધ પક્ષોની એક બેઠક બોલાવી હતી અને એમાં પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરમાં ચૂંટણી યોજવા સહકાર માગ્યો હતો. સાથોસાથ એવી ધમકી પણ આપી હતી કે જે પોલિટિકલ પાર્ટી લશ્કરને સહકાર નહીં આપે એને માઠાં પરિણામો સહન કરવાં પડશે. રાજકીય નિરીક્ષકો માનતા હતા કે પાકિસ્તાની લશ્કર ફરી એકવાર દેશનું શાસન કબજે કરવા થનગની રહ્યું હતું એટલે કે ઇમરાન ખાનની સરકારનું પતન હાથવેંતમાં હતું. જો કે જનરલ બાજવાએ કરેલી જાહેરાતનો ત્યારબાદ મરિયમ નવાઝે અને બિલાવલ ભુટ્ટોએ જાહેર સભામાં વિરોધ કર્યો હતો.

દૈનિક અખબાર એક્સપ્રેસ ટ્રાઇબ્યુને પ્રગટ કરેલા અહેવાલ મુજબ ગિલ્ગીટ બાલ્ટિસ્તાન વિધાનસભાની થનારી ચૂંટણીમાં માત્ર ત્રણ મુખ્ય પક્ષો સામેલ થશે. ઇમરાન ખાનનો પીટીઆઇ, નવાઝ શરીફનો પીએમએલ અને બિલાવલ ભુટ્ટોનો પીપીપી. ગિલ્ગીટ-બાલ્ટિસ્તાન વિધાનસભામાં ૩૩ બેઠકો હશે અને એમાંની ત્રણ બેઠક ટેક્નોક્રેટ અને છ બેઠકો મહિલાઓ માટે અનામત રખાશે. એટલે કે કુલ ૨૪ બેઠકો માટે ચૂંટણી થશે.

દેખીતી રીતેજ આ ચૂંટણી જનરલ બાજવાના ઇશારે થઇ રહી હતી. જનરલ બાજવાના ઇશારેજ પાકિસ્તાનની સરકારે જાહેર કર્યું હતું કે આ ચૂંટણીમાં સાત લાખ લોકો મતદાન કરશે જેમાં ૪૫ ટકા મહિલા મતદારો હતાં. ભારતે જમ્મુ કશ્મીરનો ખાસ દરજ્જો ગયા વર્ષના ઑગષ્ટની પાંચમીએ નષ્ટ કર્યો ત્યારબાદ પાકિસ્તાને પોતાના કબજા હેઠળના કશ્મીરમાં લીધેલું આ સૌથી મોટું પગલું હતું. જો કે આ મુદ્દે જનરલ બાજવા અને પાકિસ્તાનના સંગઠિત વિરોધ પક્ષો વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી.

(12:00 am IST)