Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ભારત નવેમ્બરમાં ઇરાન પાસેથી તેલ ખરીદશે નહીં

અમેરિકાના પ્રતિબંધથી ઇરાન કસ્ટમર ગુમાવશે : ભારત ઇરાનના સૌથી મોટા કસ્ટમર તરીકે છે : રિપોર્ટ

નવીદિલ્હી, તા. ૨૬ : નવેમ્બર મહિનામાં ઇરાન પાસેથી કોઇપણ ક્રૂડની ખરીદી નહીં કરવાની યોજના ભારત દ્વારા બનાવવામાં આવી રહી છે. આનાથી એવી સ્થિતિ સર્જાઈ રહી છે કે, તહેરાન અમેરિકાના પ્રતિબંધના પરિણામ સ્વરુપે વધુ એક મોટા કસ્ટમરને ગુમાવી દેશે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને ભારત ઓઇલ કોર્પોરેશનને નવેમ્બર મહિનામાં લોડિંગ માટે કેટલીક ખાસ સૂચના આપવામાં આવી છે. બીજી બાજુ અન્ય સંસ્થાઓનું કહેવું છે કે, કોઇ ખરીદી નહીં કરવાની તૈયારી થઇ રહી છે. મેંગ્લોર રિફાઇનરી અને પેટ્રો કેમિકલ લિમિટેડે આ મહિના માટે કોઇપણ પણ નોમિનેશન કર્યું નથી. ખરીદીના સંદર્ભમાં અંતિમ નિર્ણય ઓક્ટોબરની શરૂઆત સુધી લઇ શકાશે નહીં. રિફાઇનરીઓ હજુ પણ તેમનું વલણ બદલી શકે છે. કંપનીના અધિકારીઓ અને ઇન્ડસ્ટ્રીના કારોબારીઓએ આંતરિક રાજનીતિને લઇને કોઇ માહિતી આપવાનો ઇન્કાર કરી દીધો છે. ઇરાનિયન નિકાસમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. જેના પરિણામ સ્વરુપે બ્રેન્ટ ક્રૂડની કિંમતને લઇને ઉથલપાથલ થઇ છે. આની કિંમત વધી છે. પાંચ વર્ષની ઉંચી સપાટી જોવા મળી રહી છે. કિંમત પ્રતિબેરલ ૮૦ ડોલરથી પણ ઉપર પહોંચી ગઈ છે. વધુ ઉત્પાદન નુકસાન ઘટે તેમ પણ માનવામાં આવે છે. માત્ર સાઉદી અરેબિયા, સંયુક્ત રાષ્ટ્ર અમિરાત અને રશિયા જ હાલમાં લાભ ઉઠાવી રહ્યા છે. મંગળવારના ગાળા દરમિયાન બ્રેન્ટની કિંમત ૮૨.૫૫ ડોલર સુધી પહોંચી હતી. આ વર્ષે ૨૩ ટકા સુધીનો વધારો આમા થઇ ચુક્યો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. ભારત ઇરાન પાસેથી સૌથી વધુ ખરીદી કરે છે. ભારત આ વર્ષે દરરોજ સરેરાશ ૫૭૭૦૦૦ બેરલની આયાત કરી ચુક્યું છે અને હવે અમેરિકાના પ્રતિબંધથી ઇરાનને ફટકો પડશે.

(7:46 pm IST)