Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

આયકર દરોડાની વાયુવેગે વાત ફેલાતા બિલ્ડર લોબીમાં ફફડાટ અમુકે ઓફિસ ન ખોલી, રોકડા રૂપિયા સગેવગે કરવા દોડધામ

એકબીજા સાથે જોડાયેલા બિલ્ડર સવારથી જ તો કેટલાકે મોબાઇલ સ્વીચ ઓફ કરી બીજાના મોબાઇલથી સૂચનાઓ આપી

રાજકોટ તા. ૨૬ : રાજકોટ આયકર વિભાગની ગુપ્તચર શાખાએ આજ વહેલી સવારથી જ ૪૫ સ્થળોએ દરોડા પાડતા રાજકોટના કેટલાક બિલ્ડરોને દોડતા કરી મુકયા છે. ઇન્કમટેક્ષના દરોડાના પગલે બિલ્ડર લોબીમાં રીતસરનો ફફડાટ મચી જવા પામ્યો છે.

આજે વહેલી સવારે રાજકોટની ઇન્કમટેક્ષ વિભાગે ટોચના બિલ્ડર ડેકોરા ગ્રુપના ચમનભાઇ પટેલ તેના ભાગીદાર કુલદિપ રાઠોડ, બિલ્ડર દિલીપભાઇ લાડાણી, સ્મીતભાઇ કનેરીયા, સ્વસ્તિક ફાઇનાન્સ, સ્વાગત ફાઇનાન્સ સહિતની સહયોગી પેઢી ઉપર ૪૫ સ્થળોએ ૧૬૫ આયકર અધિકારીઓએ દરોડા પાડયા છે.

સામાન્ય રીતે રીયલ એસ્ટેટમાં સફેદ નાણા કરતા કાળા નાણાનો કારોબાર વધુ હોય છે ત્યારે ટોચના સ્થળોએ ઇન્કમટેક્ષ દ્વારા કરચોરી ઝડપવા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવા ૪૫ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરતા અનેક બિલ્ડરોએ ઓફિસ અને નિવાસસ્થાનેથી જે હાથ આવ્યું એ રોકડ કે દસ્તાવેજી પેપર્સ લઇને નજીકના વિશ્વાસુને ત્યાં મુકી ચાલતી પકડી હોવાનું ચર્ચાય રહ્યું છે.

એક ટોચના બિલ્ડરે સવારના નિત્યક્રમ પ્રમાણે ઓફિસ ખોલી હતી. હજુ તો સાફસફાઇ કરી રહ્યા હતા. દિવાબત્તી પણ બાકી હતા ત્યાં દરોડાના વાવડ આવતા તેને પણ જેમ તેમ કરી ઓફિસને અલીગઢીયા તાળા લગાવી ચાલતી પકડી હતી તો કેટલાક બિલ્ડરોએ ઓફિસ ખોલવાનું જ માંડી વાળ્યું હતું અને સીએ કે એકાઉન્ટન્ટનો સંપર્ક કરી સ્ટેટસ જાણવા કવાયત હાથ ધરી હતી.

(4:37 pm IST)