Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

રાફેલ વિવાદથી વડાપ્રધાનની આબરૂને ડાઘ લાગ્યો છે સરકારે રાફેલ વિવાદનો જવાબ આપવો જોઇએઃ શત્રુધ્નસિંહા

પટણા તા.૨૬: પટણા સાહિબથી ભાજપા સાંસદ શત્રુધ્ન સિંહાએ કહયું કે સરકારે રાફેલ મામલામાં જવાબ આપવો જોઇએ. તેમણે કહયું કે સાચું કહેવું અને સિદ્ધાંતોની વાત કરવી તે બળવો નથી. છતાં પણ જો તેને બળવો કહેતા હો તો હું બળવાખોર છું. કારણ કે હું સત્યના આધારે વાત કરૂ છું. મને કોઇ વ્યકિત વિશેષ સામે ફરિયાદ નથી. હું ભાજપાનો કાર્યકર જરૂર છું પણ તે પહેલા હું ભારતીય જનતાનો છું. બિહારની જનતાનો છું બિહારની જનતા પ્રતિ મારી જવાબદારી છે.

તેમણે કહયું કે સરકાર વિરોધ પક્ષ અને લોકોનું ધ્યાન આ મહત્વપુર્ણ મુદ્દા ઉપરથી હટાવી રહી છે. આ મુદ્દે સરકારને સવાલ કંઇક પુછાય છે અને જવાબ કંઇ બીજા જ અપાઇ રહયા છે.

શત્રુધ્ન સિંહાએ જો કે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાનને ચોર કહેવા પર વાંધો ઉઠાવીને કહયું કે કોઇ પણ હુમલો કરવા માટે ભાષાનું ગોૈરવ જળવાવુ જોઇએ અને શબ્દો યોગ્ય પસંદ કરવા જોઇએ. તેમણે કહયું કે અત્યારે ભાજપાની સ્થિતિ એવા કબુતર જેવી છે જેણે પોતાની આંખો બંધ કરી લીધી છે અને તેને ખબર નથી કે બિલાડી તેની તરફ આગળ વધી રહી છે.

(3:58 pm IST)