Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

કોંગ્રેસ ઉપર નરેન્દ્રભાઇના પ્રહારોઃ જેટલો કાદવ ઉછાળશો, કમળ એટલું જ ખીલશે

રાફેલ મુદ્દે કોંગ્રેસ-ભાજપ વચ્ચે ભારે ખેંચતાણ

 ભોપાલ તા.૨૬: રાફેલ લડાયક વિમાન સોદા બાબતે કોંગ્રેસ દ્વારા અંગત હુમલા વધવાની સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મંગળવારે કોંગ્રેસ પર નિશાન તાકતા કહયું કે કોંગ્રેસ અમારી સરકાર પર કાદવ ઉછાળે છે કારણ કે વિકાસ જેવા મુદ્દે ચર્ચા કરવાનું તેને સહેલું નથી લાગી રહયું. મોદીએ ભોપાલના જંબુરી મેદાનમાં ભાજપા કાર્યકરોની મહાકુંભ રેલીને સંબોધતા રાફેલ સોદાનું નામ ભલે નહોતું લીધું પણ તેમની ટિપ્પણી કોંગ્રેસના આક્ષેપોના જવાબ રૂપે જોવાઇ રહી છે.

વડા પ્રધાને કહયું, '' તે લોકો કીચડ ઉડાડે છે કારણ કે તેમને તે સહેલું લાગે છે, પણ હું તેમને જણાવવા માગું છુ કે તમે અમારા પર જેટલો કીચડ ફેંકશો, એટલું જ કમળ ખિલશે. હવે કોંગ્રેસ પક્ષ ભારતમાં ગઠબંધન કરવામાં સફળ નથી થયો. જો ગઠબંધનના ભાગીદાર મળી જાય તો પણ તે સફળ નહીં થાય. એટલે ભારત બહારથી ટેકો શોધી રહયો છે.''

બીજી બાજુ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પોતાના સંસદિય મત વિસ્તાર અમેઠીમાં વડાપ્રધાન પર નિશાન તાકતા કહયું કે વડાપ્રધાને દેશના ચોકીદાર હોવાની વાત કરી હતી પણ તેમણે ૩૦ હજાર કરોડ રૂપિયા અંબાણીના ખિસ્સામાં મુકી દીધા છે. રાહુલે પત્રકારો સાથે વાત કરતા કહયું કે રાફેલ સોદાની ઘણી વિગતો બહાર આવશે. વિજય માલ્યા અંગેની જાણકારી પણ સામે આવશે. ટુંક સમયમાં જ સચ્ચાઇ તમારી સામે આવશે પછી નિર્ણય તમારે લેવાનો છે.

(3:57 pm IST)