Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

વિધર્મી છોકરા સાથે દોસ્તી બદલ પોલીસે છોકરીની કરી ધોલાઇઃ મુખ્ય પ્રધાન યોગીએ ૩ને કર્યા સસ્પેન્ડઃ નર્સીગની વિદ્યાર્થીને જીપમાં બેસાડી માર્યો માર

નવી દિલ્હી તા.૨૬: યુપીના મેરઠમાં મેડિકલની વિદ્યાર્થીની સાથે પોલીસે કરેલી મારપીટનો વીડિયો સોશ્યલ મીડિયામાં બહુ વાયરલ થયો છે. જણાવાઇ રહયું છે કે ૨૩ સપ્ટેમ્બરે નર્સીંગની વિદ્યાર્થીની-વિદ્યાર્થીને પકડી પોલીસ સ્ટેશને લઇ જતી વખતે પોલીસે જીપમાં વિદ્યાર્થીનીની સરખી રીતે ધોલાઇ કરી હતી.

બે પોલીસ કર્મચારીઓએ વિદ્યાર્થીની ને ગાળાગાળી કરતા ધાર્મિક ટિપ્પણી કરી હતી. વીડિયો વાયરલ થયા પછી વિવાદ ઉભો થતા અધિકારીઓએ મહિલા કોન્સ્ટેબલ સહિત ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી નાખ્યા છે.

વીડિયોમાં એક કોન્સ્ટેબલ છોકરીને કહી રહયો છે કે તારા ધર્મનાં આટલા બધા યુવાનો છે છતાં પણ તું વિધર્મી સાથે શા માટે અફેયર કરે છે? જે ચોખ્ખુ સંભળાય છે. ત્યાર પછી તે સિપાહી છોકરીને ગાળ આપે છે અને છોકરીની બાજુમાં બેઠેલી મહિલા કોન્સ્ટેબલ છોકરીને મારવાનું શરૂ કરે છે.

તપાસનો રિપોર્ટ બહાર આવતા ત્રણ જ કલાકમાં મુખ્યમંત્રી યોગીના આદેશથી પોલીસ અધિકારીઓએ કોન્સ્ટેબલ પ્રિયંકા સિંહ અને હેડ કોન્સ્ટેબલ સલેખચંદ અને નીટુ સિંહને સસ્પેન્ડ કરી દીધા હતા. જયારે કારમાં બેઠેલ હોમગાર્ડ સહેંસર પાલ વિરૂદ્ધ હોમગાર્ડ કમાન્ડન્ટને તેની સેવાઓ સમાપ્ત કરવાનો રિપોર્ટ મોકલાયો છે.

(3:56 pm IST)