Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ITનું ડેકોરા બિલ્ડર્સ ગ્રુપ ઉપર ૪૪ સ્થળોએ મેગા સર્ચ

ડીડીઆઈ વિંગ રાજકોટ દ્વારા ૨૦૧૮ - ૧૯ના નાણાકીય વર્ષની પ્રથમ મોટી બોણી.... : રાજકોટ ઈન્વેસ્ટીગેશન વિંગ ઓફ ઈન્કમટેક્ષ દ્વારા ટોચના બિલ્ડર ડેકોરા ગ્રુપના જમનભાઈ પટેલ, નિખીલ પટેલ, કુલદીપ રાઠોડ, કલાસીક ગ્રુપના સ્મિત કનેરીયા, લાડાણી ગ્રુપના દિલીપ લાડાણી, પટેલ ડેવલોપર્સ, ધીરૂભાઈ રોકડ, ચેતનભાઈ રોકડ, કૃતિ ઓનીલાના સહયોગરેખા ઈન્ફાસ્ટ્રકચરના ડો.દિલીપ પટેલ, નવીન બેલાણી, ગુણુભાઈ ભાદાણી સહિતના સહયોગીના ૨૬ નિવાસસ્થાન અને ૧૮ ઓફીસ અને સાઈટ મળી કુલ ૪૪ સ્થળોએ પોલીસ કાફલા સાથે ૨૨૫થી વધુ આયકર અધિકારીઓ દ્વારા ઘનિષ્ઠ તપાસનો ધમધમાટ : રિયલ એસ્ટેટ ક્ષેત્રે ખળભળાટ : સ્વસ્તિક ફાયનાન્સ, કિશાન ફાયનાન્સ, વિનાયક ફાયનાન્સ ઉપર દરોડાની કામગીરી : મોરબી સુધી તપાસ લંબાણી : મોટી રકમની કરચોરી ખુલવાની વકી

બિલ્ડર અને ડેકોરા ગ્રુપ સ્વસ્તિક અને સ્વાગત ગ્રુપ ઉપર આવકવેરા વિભાગનું મેગા સર્ચ : તપાસનો ધમધમાટ: રાજકોટ : ઈન્કમટેક્ષની ઈન્વેસ્ટીગેશન વિંગે આજે વ્હેલી સવારથી ટોચના બિલ્ડર અને ફાયનાન્સર ઉપર દરોડા હાથ ધરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ટોચના બિલ્ડર ડેકોરા ગ્રુપના જમનભાઈ પટેલ, નિખિલ પટેલના અવધ રોડ ઉપર આવેલ નિવાસસ્થાન અને નાના મૌવા સર્કલ પાસે નવું આકાર પામતુ સ્કવેર-૯ બિલ્ડીંગ તેમજ કસ્તુરી બંગલોઝમાં આવેલ ભાગીદારના નિવાસસ્થાન તેમજ નીચે યુવાન બિલ્ડર કુલદીપ રાઠોડના નિવાસસ્થાને આયકર વિભાગની તપાસ ચાલુ છે. નીચે આયકર વિભાગના અધિકારીઓ  બિલ્ડર્સ કુલદીપ રાઠોડના નિવાસસ્થાનને બદલે તેમના બંધુ અને યુવક કોંગ્રેસ પ્રમુખ જયપાલસિંહ રાઠોડના નિવાસસ્થાને ભૂલથી જઈ ચડ્યા હતા. બાદમાં ખરાઈ થતાં આયકર અધિકારીઓ નીકળી ગયા હતા. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૬ : છેલ્લા પાંચ મહિનાથી સુષુપ્ત અવસ્થામાં રહેલ રાજકોટ આયકર વર્તુળ દ્વારા હવે કરચોરી ઝડપી અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલો નિર્ધારીત લક્ષ્યાંક સિદ્ધ કરવા સર્વે અને સર્ચની કામગીરી તેજ કરી છે. પાંચ માસના વિરામ બાદ રાજકોટ ઈન્વેસ્ટીગેશન વિંગ ઓફ ઈન્કમટેક્ષ દ્વારા ૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષમાં પ્રથમ બોણી સ્વરૂપે ટોચના બિલ્ડર ગ્રુપ ઉપર મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.

રાજકોટ શહેર કાલાવડ રોડ, સાધુ વાસવાણી રોડ અને નાના મૌવા સર્કલ પાસે ગગનચુંબી અને અતિ લકઝરીયસ ફલેટ્સનું નિર્માણ કરનાર ડેકોરા ગ્રુપ અને તેની સહયોગી પેઢીઓ ઉપર આજે વ્હેલી સવારથી ઈન્કમટેક્ષ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા રીયલ એસ્ટેટ ક્ષેત્રે વ્હેલી સવારથી જ ખળભળાટ મચી જવા પામેલ છે.

રાજકોટ ઇન્કમટેક્ષ ઈન્વેસ્ટીગેશન વીંગના જોઈન્ટ ડાયરેકટર રાજેશ મહાજન, આસિસ્ટન્ટ ડાયરેકટર પ્રદિપ સતાવત અને કે. આર. ડૈયા અને વી. એમ. ડાંગરના માર્ગદર્શન તળે ૪૫થી વધુ સ્થળો ઉપર આવકવેરા વિભાગે ઓપરેશન હાથ ધર્યુ છે. સાધુ વાસવાણી રોડ ઉપર ગાર્ડન સીટી અને અવધ રોડ ઉપર ભવ્ય ઈમારતનું નિર્માણ કરનાર ડેકોરા ગ્રુપ અને તેના સહયોગી કલાસીક ગ્રુપ, લાડાણી ગ્રુપના ભાગીદારો તેમજ ઓમ બિલ્ડર્સ ગ્રુપના ગોપાલભાઈ ચુડાસમા તેમજ પટેલ ડેવલોપર્સના શ્રી ધીરૂભાઈ રોકડ, શ્રી ચેતનભાઈ રોકડ ઉપરાંત કૃતિ ઓનીલા નામના પ્રોજેકટનું નિર્માણ કરતી પેઢી સહયોગરેખા ઈન્ફાસ્ટ્રકચરના ડો.દિલીપભાઈ પટેલ, નવીનભાઈ બેલાણી, શ્રી ગુણુભાઈ ભાદાણી સહિતના ભાગીદારોના નિવાસસ્થાન તેમજ ઓફીસો અને સાઈટો ઉપર સવારથી ૨૨૫થી વધુ આયકર અધિકારીઓનો કાફલો પોલીસ બંદોબસ્ત હેઠળ ૪૪ સ્થળોએ ત્રાટકયો છે.

ઉપરાંત ઉપરોકત પ્રોજેકટ સંદર્ભે ત્રણ ફાયનાન્સ પેઢી સ્વસ્તિક ફાયનાન્સ, કિશાન ફાયનાન્સ, વિનાયક ફાયનાન્સ ઉપર પણ આવકવેરા વિભાગે દરોડાની કામગીરી હાથ ધરી છે.

ડેકોરા ગ્રુપ રાજકોટમાં નાના મૌવા સર્કલ પાસે ૨૨ માળનું અતિ આધુનિક કોમર્શીયલ બિલ્ડીંગ - ૯ સ્કવેરનું નિર્માણ કરી રહ્યા છે. ત્યાં પણ આયકર અધિકારીઓના કાફલાએ તપાસ હાથ ધરી છે.

જમનભાઈ પટેલ, તેમના પુત્ર નિખિલ પટેલ અને યુવાન બિલ્ડર કુલદીપ રાઠોડના નિવાસસ્થાન અને ઓફીસ ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે. કુલદીપ રાઠોડ યુવક કોંગ્રેસના પ્રમુખ જયપાલસિંહ રાઠોડના ભાઈ થાય છે.

ઉપરાંત ડેકોરા ગ્રુપના ભાગીદાર ધીરૂભાઈ રોકડ તેમના પુત્ર ચેતનભાઈ રોકડ, ગોપાલભાઈ ચુડાસમા, ઉદ્યોગપતિ છગનભાઈ પટેલના નિવાસસ્થાન ઉપર આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે.

દરમિયાન જાણવા મળતી વિગતો મુજબ આવકવેરા વિભાગ દ્વારા બિલ્ડર્સ અને ફાયનાન્સરો ઉપરાંત સ્ટીલ વેપારી ઉપર પણ તપાસ લંબાવાઈ રહી છે. સ્વાગત ગ્રુપ ઉપર પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ટોચના બિલ્ડર દિલીપભાઈ લાડાણી ઉપર ગત અઠવાડીયે પણ આયકર વિભાગે સર્વેની કામગીરી હાથ ધરી હતી. કલાસીક ગ્રુપના સ્મિત કનેરીયા અમેરીકા હોવાનું જાણવા મળે છે.

દરમિયાન આજે વ્હેલી સવારથી ઈન્કમટેક્ષ વિભાગે હાથ ધરેલી તપાસમાં યુનિવર્સિટી રોડ ઉપર આવેલ શિલ્પન ઓનીક્ષના બે રહેવાસી ઉપર આવકવેરા વિભાગે તપાસ લંબાવી છે.

(3:32 pm IST)