Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

હિમાચલ પ્રદેશમાં પુરથી ૩ના મોત અને કેટલાય લોકો ગુમ

શિમલા તા.૨૬: શિમલા જિલ્લાના કુપવી વિસ્તારમાં એક રૂમ પર મોટો પથ્થર પડવાથી રૂમમાં આરામ કરી રહેલા ૭ મજુરો માંથી ૩ના મોત થયા હતા અને ૪ ઘાયલ થયા હતા તેમ અધિકારીઓએ જાહેર કર્યુ હતું.

દરમ્યાન પશ્ચિમ બંગાળના ૯ રીસર્ચરો અને ૨૧ સપ્ટેમ્બરે શિમલા છોડીને આગળ વધેલા જુબ્બલના બે ટ્રેકટરોની કોઇ ભાળ મળી નથી. હિમાચલ પ્રદેશ સરકારે રચેલી બચાવ ટુકડી બુધવારથી બચાવ કામગીરી શરૂ કરશે.

લાહોૈલ અને સ્પિતિ જિલ્લામાં ફસાયેલા લગભગ ૫૦૦ પ્રવાસીઓને બચાવવા માટે મંગળવારે બચાવ કાર્ય શરૂ કરાયું હતું.

મુખ્ય પ્રધાન જય રામ ઠાકુરે પરિસ્થિતિની જાણકારી મેળવવા મંગળવારે કુલ્લુની મુલાકાત લીધી હતી. તેમણે ફસાયેલા પ્રવાસીઓ અને સ્થાનિકોને બચાવવા માટે ૩ હેલિકોપ્ટર મોકલ્યા હતા. તેમણે કહયંુ છે કે કેન્દ્રએ વધુ હેલિકોપ્ટર જરૂર પડયે આપવાની ખાતરી આપી છે.

જયરામ ઠાકુરે જણાવ્યું, '' બરફાચ્છાદિત લાહોૈલ અને સ્પિતિ જિલ્લામાં પ૦૦ પ્રવાસીઓ ફસાયા છે, જયારે ૨૦૦ લોકો કોકસરમાં અને લગભગ ૩૦૦ લોકો બારાલાચામાં ફસાયા છે.'' તેમણે ચોખવટ કરતા કહયું કે સીસુમાં ફસાયેલા આઇઆઇટી રૂરકીના વિદ્યાર્થીઓને લશ્કરના બેઝ કેમ્પમાં શીફટ કરી દેવાયા છે અને તેઓ સુરક્ષિત છે. રાજય સરકારે ફસાયેલા પ્રવાસીઓને સારવાર અને ખોરાક પહોંચાડવાની કામગીરી કરી રહી છે અને તેમની ચિંતા કરવાની જરૂર નથી.

મુખ્ય પ્રધાને ખાતરી આપી હતી કે અસરગ્રસ્ત કુટુંબને શકય તેટલી મદદ આપવામાં આવશે. તેમણે કહયું હતું કે કુલ્લુના જિલ્લા પ્રશાશને પુરના કારણે આશરો ગુમાવી ચુકેલા મજુરોને ધાબળા, ટેન્ટ અને બીજી જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડી હતી.

મુખ્ય પ્રધાન ઠાકુરે કહયું કે વર્ષાઋતુ દરમ્યાન આવેલા પુરના કારણે સરકારી અને ખાનગી મિલ્કતોને લગભગ ૧૨૩૦ કરોડનું નુકસાન થયું હતું, જયારે છેલ્લા ત્રણ દિવસમાં આવેલા પુરના કારણે પરિસ્થિતિ વધુ વણસી છે.

ઠાકુરે એક સપ્તાહમાં નુકશાનગ્રસ્ત રસ્તાઓ ચાલુ કરવાનો આદેશ આપ્યો છે તેમણે કહયું કે મનાલીમાં વોટર સપ્લાય શરૂ કરવાના પ્રયાસો ચાલુ જ છે.ત્યાં પુરના કારણે પાણીની પાઇપોનું ધોવાણ થઇ ગયું છે. જીલ્લાના મોટા વિસ્તારમાં વિજ લાઇનો પણ ધોવાઇ ગઇ છે. તેમણે કહયું હતું કે જીલ્લાના લગભગ ૩૭૮ ટ્રાન્સફોર્મરો ને નુકશાન થયું છે. જે બદલાવવાની કામગીરી ચાલુ છે. 

(11:39 am IST)