Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

સિગારેટ ઉપર સેસ લાગૂ કરવા તૈયારી : કિંમતો વધવાના સંકેત

છુટક કિંમત પણ એકથી બે રૂપિયા વધી જશે : કિંમતમાં પ-૬ ટકા સુધી વધારો કરવામાં આવે તેવી વકી

નવી દિલ્હી, તા. ૨૫ : જીએસટી કાઉન્સિલની આગામી બેઠક ૨૮મી સપ્ટેમ્બરના દિવસે યોજનાર છે. આ બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે પરંતુ આ મિટિંગમાં કેરળમાં આવેલી આફતને ધ્યાનમાં લઇને ચર્ચા વિચારણા કરવામાં આવશે.સુત્રોએ કહ્યું છે કે, આ મિટિંગ બાદ સિગારેટ મોંઘી બને તેવી શક્યતા છે.

હકીકતમાં જીએસટી કાઉન્સિલની બેઠકમાં સિગારેટ ઉપર હોનારત સંબંધિત સેસ લાગૂ કરવાના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી શકે છે. ઇન્વેસ્ટમેન્ટ કંપની સીએલએસએ દ્વારા પોતાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ૨૮મી સપ્ટેમ્બરના દિવસે યોજાનાર જીએસટી કાઉન્સિલની બેઠકમાં સેસ લાગૂ કરવાના મુદ્દા પર નિર્ણય લેવામાં આવી શકે છે. સેસ લાગૂ કરવાની શરૂઆત કેરળથી થઇ શકે છે. સિગારેટ ઉપર સેસ લાગૂ કરવાથી આઈટીસી સિગારેટની કિંમત પાંચથી ૬ ટકા સુધી વધારી શકે છે. સિગારેટ ઉપર લાગનાર આ સેસથી થનાર વધારાની કમાણીનો ઉપયોગ કેરળમાં કરવામાં આવશે. પુરગ્રસ્ત કેરળને ફરી બેઠુ કરવા માટે આ નાણાં ખર્ચ કરવામાં આવશે. છેલ્લા દિવસોમાં કેરળમાં આવેલા પુરના કારણે અભૂતપૂર્વ નુકસાન થયું છે. સિગારેટ ઉપર સેસ લાગૂ કરવામાં આવ્યા બાદ કિંમતોમાં વધારો થઇ શકે છે. કંપનીઓ સિગારેટની કિંમત વધારી શકે છે. પ્રાથમિકરીતે પાંચથી છ ટકા સુધીનો વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. રિટેલ કિંમતોમાં પણ વધારો થઇ શકે છે. જો સેસ લાગૂ કરાશે તો ખુલ્લામાં સિગારેટની કિંમત પર એકથી બે રૂપિયાનો વધારો થઇ શકે છે. આરોગ્ય મંત્રાલય દ્વારા પણ ફેબ્રુઆરી ૨૦૧૮માં સિગારેટ ઉપર સેસ લગાવવા માટે ભલામણ કરી હતી. આરોગ્યને થનાર નુકસાનને ધ્યાનમાં લઇને સેસ વધારવાની વાત થઇ હતી. આરોગ્ય મંત્રાલય દ્વારા આના માટેની દરખાસ્ત નાણામંત્રાલયને મોકલી હતી. સિગારેટ ઉપર સેસ ૨૦ ટકા કરવાની દરખાસ્ત મોકલવામાં આવી હતી.

(7:31 pm IST)