Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ગો અેરની ફ્લાઇટમાં દિલ્‍હીથી પટણા જઇ રહેલા મુસાફર દ્વારા ચાલુ વિમાને દરવાજો ખોલવા પ્રયાસઃ પહેલી વખત હવાઇ મુસાફરી કરતા યાત્રિકે ટોઇલેટનો દરવાજો સમજીને ઇમરજન્સી ગેટ ખોલવા જતા દોડધામ

નવી દિલ્હી: ગત શનિવારે ગો એરની ફ્લાઈટ નંબર G8 149માં દિલ્હીથી પટણા જઈ રહેલા એક પેસેન્જર પ્લેન ઉંચાઈ પર હતું ત્યારે પ્લેનનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરી રહેલો જોઈ બાકીના પેસેન્જર ગભરાઈ ગયા અને બૂમો પાડવા લાગ્યા. હકીકતમાં આ વ્યક્તિ પહેલી વખત જ પ્લેનમાં મુસાફરી કરી રહ્યો હતો અને તેના કહેવા મુજબ, તે ટોઈલેટનો દરવાજો સમજીને પ્લેનનો ઈમરજન્સી ગેટ ખોલવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

પેસેન્જરોની બૂમો સાંભળીને કેબિન ક્રૂએ દોડી આવીને તેને રોક્યો. પહેલા તો પેસેન્જર કેબિન ક્રૂ સાથે ઝઘડો કરવા લાગ્યો, પણ કેબિન ક્રૂએ તેને પાછળની તરફ ખેંચી લીધો અને મોટી દુર્ઘટના થતી બચાવી લીધી. પ્લેનમાં એ સમયે 150 મુસાફરો હતા. સીઆઈએસએફના જણાવ્યા મુજબ, આ વ્યક્તિ ઈમરજન્સી ગેટને અનલોક કરવામાં તો સફળ થઈ ગયો હતો, પરંતુ કેબિન પ્રેસરને કારણે દરવાજો ખૂલ્યો નહીં.

પટનાના કંકડબાગમાં રહેતા આ વ્યક્તિ પર સમગ્ર મુસાફરી દરમિયાન નજર રાખવામાં આવી, કે જેથી તે ફરીથી આવી હરકત ન કરે. ગો એરના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ફ્લાઈટ પટણા પહોંચતા જ આ શખસને સીઆઈએસએફને સોંપી દેવાયો. સીઆઈએસએફએ તેને પોલીસને સોંપી દીધો, જેણે તેને અટકાયતમાં લઈ લીધો.

લગભગ 20 વર્ષની ઉંમરના આ શખસે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, તેણે બાથરૂમનો દરવાજો સમજીને ફ્લાઈટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. આ શખસ અજમેરની એક ખાનગી બેંકમાં કામ કરે છે અને તે પહેલી વખત પ્લેનમાં મુસાફરી કરી રહ્યો હતો. પૂછપરછ બાદ આ શખસને છોડી દેવામાં આવ્યો.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે મે મહિનામાં પણ આ પ્રકારની એક ઘટના બની હતી. જેમાં ચીનના એક વ્યક્તિ વિમાનમાં ઈમરજન્સી વિન્ડો ખોલી દીધી હતી, કેમકે તેને કેબિન ઘણી ભરેલી અને ગરમ લાગતી હતી.

(12:00 am IST)