Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

OBCમાં લાભથી વંચિત જ્ઞાતિઓને મળશે રાહત

સરકાર ટૂંક સમયમાં લેશે મહત્વનો નિર્ણય

નવી દિલ્હી તા. રપ :.. અનામત હોવા છતાં પણ ઓબીસીમાં પછાત રહી ગયેલી જાતીઓ બાબતે સરકાર ટૂંક સમયમાં કંઇક મોટી જાહેરાત કરી શકે છે. જો કે ઓબીસીની આવી જાતીઓની ભાળ મેળવવા માટે સ્થપાયેલી જસ્ટીસ રોહીણી સમિતિ આ અઠવાડીએ પોતાનો રીપોર્ટ સરકારને સોંપી દેશે. ત્યાર પછી સરકાર તે બાબતે પોતાનું કામ શરૂ કરશે.  સમિતિના અંતિમ રીપોર્ટ આપતા બે મહીનામાં આવી શકે છે કેમ કે સમિતિની મુદત ૩૦ નવેમ્બર ર૦૧૮ ના રોજ પુરી થાય છે.

ઓબીસીને સરકારી નોકરી અને શૈક્ષણીક સંસ્થાનોમાં ર૭ ટકા અનામત મળે છે તેમ છતાં પણ આ વર્ગમાં ઘણી બધી એવી જાતીઓ છે જેને અનામતમાં બહુ ઓછું પ્રતિનિધીત્વ મળે છે. એટલે કે અનામત હોવા છતાં પણ તેમને લાભ નથી મળતો. સમીતિના પ્રાથમિક આંકડાઓ અનુસાર અનામતનો લાભ ઓબીસીની ફકત ત્રણ-ચાર જાતીઓ જ લઇ જાય છે. સરકારની કોશિષ એવી છે કે આ અસમાનતા દુર થાય. આ બાબતે પછાત વર્ગ આયોગ ર૦૧૧ માં જ પોતાની ભલામણો કરી ચુકયો છે, પણ ગઇ સરકારે તેના પર ધ્યાન નહોતું આપ્યું.

હાલની સરકાર આ બાબતે ઝડપથી આગળ વધવા માગે છે. એટલે જ સરકારે ગયા વર્ષે દિલ્હી હાઇકોર્ટની ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટીસ રોહીકનની અધ્યક્ષતામાં ઓબીસી ઉપવર્ગીકરણ સમિતિનું ગઠન કર્યુ હતું. આ સમિતિએ આમ તો ૧ર સપ્તાહમાં પોતાનો રીપોર્ટ આપવાનો હતો પણ સમિતિનું કામકાજ વધવાથી સરકાર તેનો કાર્યકાળ ૩ વાર વધારી ચુકી છે. હમણાં જ સરકારે તેનો કાર્યકાળ છેલ્લી વાર વધાર્યો છે જેની મુદત ૩૦ નવેમ્બરે પુરી થાય છે. સમિતિનું કાર્યક્ષેત્ર ઓબીસી જાતીઓની આસમાનતા જાણીને તે બાબતે પોતાની ભલામણો આપવાનું છે. (પ-૮)

(12:22 pm IST)