Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

મોદી કેર : બોણીમાં જ ૧૦૦૦ ગરીબોનો વિનામૂલ્‍યે ઇલાજ

સૌથી વધુ લાભ છત્તીસગઢ, હરિયાણા, ઝારખંડ, આસામ અને મધ્‍યપ્રદેશના લોકોએ લીધો : યોજના લોન્‍ચ થવાના ૯૦ મિનિટમાં જ ઝારખંડમાં ‘લક્ષ્મીજી'નો જન્‍મ આ યોજના હેઠળ થયો : આ યોજના હજી પણ વધારે સરળ બનાવશે : વેબસાઇટ અને ટોલ ફ્રી નંબર પણ શરૂ કરાયા

નવી દિલ્‍હી તા. ૨૫ : રવિવારે શરૂ થયેલ આયુષમાન ભારત યોજના હેઠળ સોમવાર સાંજ સુધીમાં એક હજારથી વધારે ગરીબ લોકો મફત અને કેશલેસ ઇલાજનો લાભ મેળવી ચૂકયા છે. લાગુ થતાની સાથે જ સરકાર આ યોજનાને સુગમ અને સરળ બનાવવાની કોશિષમાં લાગી ગઇ છે, જેથી વધુને વધુ લોકો તેનો લાભ ઉઠાવી શકે. આના માટે એક વેબસાઇટ અને ટોલ ફ્રી નંબર પણ જાહેર કરાયો છે. આ વેબસાઇટની મદદથી કોઇપણ વ્‍યકિત જાણી શકે છે કે, તેનો પરિવાર લાભાર્થીમાં શામેલ છે કે નહીં.

આરોગ્‍ય મંત્રાલયના એક ઉચ્‍ચ અધિકારીએ કહ્યું કે, mera.pmjay.gov.com પર આયુષમાન ભારતને લગતી કોઇપણ માહિતી મેળવી શકાશે. તેમાં લોગ ઇન કરવા માટે મોબાઇલ નંબર આપવાનો રહેશે અને તેના પર આવેલ પીન નંબર ભરતાની સાથે જ વેબસાઇટ પર માહિતી મળવા લાગશે. એકવાર વેબસાઇટ પર લોગ કર્યા પછી કોઇ પણ વ્‍યકિત પોતાના રેશનકાર્ડનો નંબર, આધાર નંબર અથવા જુની રાષ્‍ટ્રીય સ્‍વાસ્‍થ્‍ય વીમા યોજનાનો નંબર નાખીને જોઇ શકશે કે તેનું નામ લાભાર્થીના લીસ્‍ટમાં છે કે નહી. એટલું જ નહીં આમાં યોજના સાથે જોડાયેલી નજદિકની હોસ્‍પિટલની માહિતી પણ મળી જશે.

ઉચ્‍ચ અધિકારીએ જણાવ્‍યું કે જો વેબસાઇટ પર લોગ કરવામાં કોઇ તકલીફ થાય તો ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકાશે, તેમણે કહ્યું કે, ૨૪ કલાકમાં ૧ હજારથી વધારે ગરીબોનો ઇલાજ થયો. તેનાથી સ્‍પષ્‍ટ થાય છે કે લોકો આનાથી માહિતગાર તો છે જ સાથે જ તેનો લાભ પણ મેળવી રહ્યા છે.

લોન્‍ચ થયાની ૯૦ મીનીટમાં ઝારખંડમાં ‘લક્ષ્મીજી'નો જન્‍મ

ઉલ્લેખનિય છે કે, લોન્‍ચ થયાની ૯૦ મિનિટમાં જ ઝારખંડમાં એક બાળકીનો જન્‍મ આ યોજના હેઠળ થયો છે. આરોગ્‍ય પ્રધાન જે.પી.નડ્ડાએ કહ્યું કે, યોજનાની પહેલી લાભાર્થીના રૂપમાં ‘લક્ષ્મીજી'નો જન્‍મ શુભ સંકેત છે અને આશા છે કે તે ૫૦ કરોડ ગરીબો માટે મોંઘા ઇલાજો સુલભ બનાવવામાં સફળ થશે.

(11:24 am IST)