Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

૫ દિવસમાં રોકાણકારોનાં રૂા. ૮.૫ લાખ કરોડ ડૂબ્‍યા

૫ સેશનમાં સેન્‍સેકસ ૫ ટકા ડાઉન થયો

મુંબઈ, તા. ૨૫ :. સતત પાંચ ટ્રેડિંગ સેશન દરમિયાન બજાર ઘટતા તેની પાછળ રોકાણકારોની સંપત્તિમાં રૂા. ૮.૪૭ લાખ કરોડનું ધોવાણ નોંધાયું હતું. બીએસઈ બેન્‍ચમાર્ક ઈન્‍ડેકસ લગભગ પાંચ ટકા ગગડયો હતો. સતત પાંચમા ટ્રેડિંગ સેશનમાં સોમવારે બીએસઈ ૩૦ શેર સેન્‍સેકસ ૫૩૬.૫૮ પોઈન્‍ટ અથવા ૧.૪૬ ટકા ગગડીને ૩૬,૩૦૫.૦૨ પોઈન્‍ટ બંધ નોંધાયો હતો. પાછલા પાંચ ટ્રેડિંગ સેશનમાં બીએસઈ સેન્‍સેકસ ૧,૭૮૫.૬૨ પોઈન્‍ટ અથવા ૪.૬૮ ટકા ગગડીને બંધ આવ્‍યો હતો.

બજારમાં તીવ્ર મંદીમય વાતાવરણની આગેવાની હેઠળ બીએસઈમાં લિસ્‍ટેડ કંપનીઓનું કુલ બજાર મૂલ્‍ય રૂા. ૮,૪૭,૯૭૪.૧૫ કરોડ ગગડીને રૂા. ૧,૪૭,૮૯,૦૪૬ કરોડ નોંધાયુ હતુ. પ્રવાહિતાને લગતી ચિંતા તથા ચીને અમેરિકા સાથેની આયોજિત વ્‍યાપાર વાટાઘાટને રદ કરી છે વગેરે બાબતોએ બજારના સેન્‍ટિમેન્‍ટ પર અસર કરી હતી.

જિયોજિત ફાઈનાન્‍શિયલ સર્વિસિસ લિમીટેડના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્‍યુ હતુ કે, હાઉસિંગ તથા એનબીએફસીસની આગેવાની હેઠળ ગયા સપ્તાહે શેરોમાં ઘટાડાની શરૂઆત થઈ હતી તે બજારમાં જળવાઈ રહ્યો હતો કેમ કે ગભરાટ પ્રસરેલો છે. સરકાર તથા સંસ્‍થાઓના ચાવીરૂપ વડાઓનાં ખાતરી આપતા નિવેદનો છતાં પણ બજાર ટાઈટ લિકિવડિટી સાથે ફંડના ખર્ચમાં વધારો તથા ગુણવત્તા જેવા ટૂંકાગાળાના અવરોધો અંગે ચિંતિત છે. તેની સાથોસાથ ઉભરતા બજારોમાં કન્‍સોલિડેશન છે, ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો જળવાયો છે તથા ઉંચા વેલ્‍યુએશન ગભરાટને વધારે ભડકાવે છે. રોકાણકારોનો ગભરાટ શાંત કરવા માટે નાણાપ્રધાન અરૂણ જેટલીએ સોમવારે જણાવ્‍યુ હતુ કે, સરકાર નોન-બેન્‍કિંગ ફાઈનાન્‍શિયલ કંપનીઓ તથા મ્‍યુચ્‍યુઅલ ફંડસ માટે પ્રવાહિતાની પુરતી ખાતરી મળે તેના તમામ પગલા ભરશે.

બીએસઈના ૩૦ શેરના બાસ્‍કેટમાં મહિન્‍દ્રા એન્‍ડ મહિન્‍દ્રા સૌથી વધારે ૬.૪૬ ટકા ગગડયો હતો, તેના પછી એચડીએફસી ૬.૨૨ ટકાના ઘટાડા સાથે બીજા ક્રમે હતો, ત્‍યાર બાદ ઈન્‍ડસઈન્‍ડ બેન્‍કમાં ૪.૯૪ ટકા અને અદાણી પોર્ટ એન્‍ડ સ્‍પેશિયલ ઈકોનોમિક ઝોનમાં ૪.૪૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

 

(11:17 am IST)