Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

પાકિસ્‍તાનની આર્થિક સ્‍થિતિ બદતર બનતી જાય છેઃ ઈમરાન સરકારે ઓફિશિયલ મીટિંગ દરમિયાન રિફ્રેશમેન્ટમાં કાપ મૂક્યો

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ હાલમાં ખૂબ ખરાબ છે. ભારતની સાથે વ્યાપારિક સંબંધો ખતમ કર્યા બાદથી તેની આર્થિક સ્થિતિ પર માઠી અસર પડી છે. એવામાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સરકારમાં કોસ્ટ કટિંગ કરી રહ્યા છે. દેવાળિયા થવાના આરે પહોંચી ગયેલા પાકિસ્તાનમાં સરકારે નવી નોકરીઓ પર રોક મૂકી દીધી છે. હવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે સરકાર વિકાસલક્ષી યોજનાઓને છોડીને અન્ય કોઈ પણ કામ માટે કોઈ નવા રોજગારનું સર્જન નહીં કરે.

પાકિસ્તાનના અખબાર 'ડૉન'ના રિપોર્ટ મુજબ, ઈમરાન સરકારે ઓફિશિયલ મીટિંગ દરમિયાન રિફ્રેશમેન્ટમાં કાપ મૂક્યો છે. મીટિંગમાં આપવામાં આવતા ચા અને બિસ્કિટ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એવામાં ડાયાબિટિઝ કે અન્ય બીમારીઓનો સામનો કરી રહેલા અધિકારીઓ માટે કલાક મીટિંગમાં કંઈ ખાસ ખાધા-પીધા વગર બેસવું મુશ્કેલ થઈ શકે છે.

અખબાર-મૅગઝીન પર પ્રતિબંધ : પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (Pakistan Tehreek-e-Insaf) સરકારે હાલના ચાલુ નાણાકિય વર્ષમાં નવી ગાડી કે લક્ઝરી સામાન નહીં ખરીદવા સહિત અને પ્રકારની કૉસ્ટ કટિંગ કરી છે. સરકારે અધિકારીઓ માટે એકથી વધુ અખબાર અને મૅગઝીન ઉપર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.

કાગળનો બંને તરફ થશે ઉપયોગ : તેની સાથે ઓફિસોમાં કાગળનો વપરાશ ઘટાડવા માટે તમામ સરકારી સંદેશોના આદાન-પ્રદાનમાં તેની બંને તરફનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મેમોરેન્ડમાં કહેવામાં આવ્યું છે કે મુખ્ય એકાઉન્ટ અધિકારીઓ પર જવાબદારી રહેશે કે તેઓ વીજળી, ગેસ, ટેલીફોન વગેરે સંતુલિત અને ઓછા ઉપયોગને સુનિશ્ચિત કરે.

IMFએ 6 અબજ ડૉલરના પૅકેજને આપી મંજૂરી : આર્થિક સ્થિતિને સુધારવા માટે પાકિસ્તાનને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)થી કેટલીક શરતો પર 6 અબજ ડૉલરના પૅકેજને મંજૂરી મળી છે. તેના માટે ઈમરાન સરકારે બજેટ ખાધ ઓછી કરવી પડશે. સાથોસાથ કેટલીક બીજી પણ કડક શરતો પૂરી કરવી પડશે. સરકારે બજેટ ખાધ ઓછી કરવા માટે કૉસ્ટ કટિંગ કર્યુ છે.

પાકિસ્તાનના માથે કેટલું દેવું છે? - પાકિસ્તાનના નાણાકીય વિભાગના રિપોર્ટ મુજબ, નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન તેમના સાર્વજનિક વિદેશી દેવામાં 2.29 અબજ ડૉલરનો વધારો થયો છે, જે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ઓછું છે.

રિપોર્ટ મુજબ, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં પાકિસ્તાનના વિદેશ દેવામાં ક્રમશ: 6.82 અબજ ડૉલર, 4.77 અબજ ડૉલર અને 6.64 અબજ ડૉલરનો વધારો થયો હતો. આંકડા 2015-16થી 2017-18ની વચ્ચેના છે. રિપોર્ટમાં વધુ કહેવામાં આવ્યું છે કે પ્રકારે પાકિસ્તાનના સાર્વજનિક વિદેશી દેવામાં 2.29 અબજનો વધારો થયો.

(6:34 pm IST)