Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

પ્રધાનમંત્રી મોદી - મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતને અપાવ્યું ગૌરવ : ટાઈમ મેગેઝીન દ્વારા જાહેર કરાયેલા દુનિયાનાં ૧૦૦ સર્વોત્તમ સ્થળોની યાદીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને આગવું સ્થાન

ટાઈમ મેગેઝિનનાં ૧૦૦ ગ્રેટેસ્ટ પ્લેસ ઓફ ૨૦૧૯માં વિશ્વની સૌથી મહાન પ્રતિભા સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમાવેશ : સ્ટેચ્યુ ઓફ યુનિટીની અત્યાર સુધીમાં ૨૧ લાખથી વધુ અને એક જ દિવસમાં ૩૧૭૦૦ પ્રવાસીઓએ મુલાકાત લઈ રેકોર્ડબ્રેક કર્યો

ગાંધીનગર : ટાઈમ મેગેઝિન દ્વારા દર વર્ષ વિશ્વનાં ૧૦૦ જાણીતા સ્થળની યાદી જાહેર કરવામાં આવે છે. આ વર્ષે ટાઈમ મેગેઝિન દ્વારા જાહેર કરવામાં આવેલા દુનિયાનાં ૧૦૦ સર્વોત્તમ સ્થળોની યાદીમાં વિશ્વની સૌથી મહાન પ્રતિભા સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને આગવું સ્થાન પ્રાપ્ત થયું છે. આ યાદીમાં ચાડનું જોકુમા નેશનલ પાર્ક, મિશ્રનું લાલ સાગર પર્વત શ્રૃખંલા, વોશિંગ્ટનના ન્યૂઝિયમ, ન્યૂયોર્ક સિટીના ધ શેડ, આઈસલેન્ડની જિયોસી જિયોથર્મલ સી બાથ, ભૂટાનની સિક્સ સેન્સેજ હોટલ પણ સામેલ છે. ટાઈમ મેગેઝિન દ્વારા હાલમાં જાહેર કરાયેલા ૧૦૦ ગ્રેટેસ્ટ પ્લેસ ઓફ ૨૦૧૯માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં વિઝન - મિશનથી નિર્મિત અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં ગાઈડેન્શથી નર્મદાના કેવડિયા કોલોની સ્થિત ૧૮૨ મીટર વિશ્વની સૌથી મહાન પ્રતિભાની સૌથી ઊંચી પ્રતિમાને સ્થાન મળતા ભારતનું નામ વિશ્વભરમાં રોશન થઈ સરદાર વલ્લભભાઈ પટેલને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ મળી છે અને ગુજરાતની પ્રસિદ્ધિમાં પણ વધારો થયો છે.

ટાઈમ મેગેઝિન દ્વારા વર્ષ ૨૦૧૯માં ફરવા, રહેવા, ખાણીપીણીનાં શ્રેષ્ઠ સ્થળોની યાદી બનાવવામાં આવી છે. જેમાં દુનિયાભરમાંથી જોવાલાયક ૩૭ સ્થળોની પસંદગીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને સ્થાન મળ્યું છે. ૩૧ ઓક્ટોબર ૨૦૧૮માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકાર્પણ થયા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સતત દેખરેખ-માર્ગદર્શનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની અત્યાર સુધીમાં ૨૧ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી. માત્ર પોણા એક વર્ષની અંદરમાં જ આટલા મોટા પ્રમાણમાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા ગુજરાતના ટુરિઝમને જબ્બર બુસ્ટ મળ્યું છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીએ સ્થાનિક સ્તરે ઉદ્યોગ અને રોજગાર તો ઉત્પન્ન કર્યો જ છે સાથેસાથે તેની આસપાસનાં અન્ય પ્રવાસી સ્થળોને પણ પ્રવાસીઓ મળતા સમગ્ર વિસ્તારનો સર્વાંગી વિકાસ થયો છે. અધૂરામાં પૂરું દેશ-દુનિયા સરદાર વલ્લભભાઈ પટેલ જેવી મહાન પ્રતિભાથી પરિચિત થઈ શકી છે. આમ અનેક દ્રષ્ટિએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં નિર્માણથી ગુજરાત સહિત સમગ્ર દેશને ફાયદો થયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્ર અંગે લોકોનું ધ્યાન ખેંચાયું-આકર્ષાયું છે. ગુજરાતનાં દીર્ધદ્રષ્ટા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં માર્ગદર્શન-દેખરેખ હેઠળ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે રિવર રાફટિંગ બાદ હવે જંગલ સફારી, વિશ્વ વન, ટાઈગર પાર્ક, જુરાસિક પાર્ક વગેરે બનાવવાની પણ તૈયારી ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગત ૩૧મી ઓક્ટોબર ૨૦૧૮નાં રોજથી ૨૫ ઓગષ્ટ ૨૦૧૯ સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની દરરોજ લગભગ ૧૫થી ૨૦ હજાર પ્રવાસીઓએ મુલાકાત લીધી છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થયા બાદ ગત ૧૧મી નવેમ્બર ૨૦૧૮નાં રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ૨૮૪૦૦ પ્રવાસીઓ નોંધાયા હતા જે અત્યાર સુધીના સર્વાધિક પ્રવાસીઓ હતા, જ્યારે ગત ૨૪ ઓગષ્ટ ૨૦૧૯નાં રોજ ૩૧૭૦૦ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. જે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અત્યાર સુધીના સમયમાં સૌથી વધુ પ્રવાસીઓ કહી શકાય. મતલબ કે ગત ૨૪મી ઓગષ્ટનાં દિવસે રેકોર્ડ બ્રેક પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. ટાઈમ મેગેઝીન દ્વારા જાહેર કરાયેલા દુનિયાના ૧૦૦ સર્વોત્તમ સ્થળોની યાદીમાં સમાવેશ કરવામાં આવેલી ગુજરાત સ્થિત વિશ્વની સૌથી મહાન પ્રતિભા સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં નિર્માણ, લોકાર્પણથી લઈ આજ અને આવનારા વર્ષો સુધી તે રાજ્યનું નામ રોશન કરે, દેશનાં ઈતિહાસમાં નોંધનીય બને, વિશ્વભરમાં તેની નામના થાય એ માટે અથાક પ્રયત્ન કરી રહેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અભિનંદન-શુભેચ્છાનાં ખરા હક્કદાર છે.

(4:45 pm IST)