Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

બહેરીન : ૨૦૦ વર્ષ જુના હિન્દુ મંદિરનું પુનઃનિર્માણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પુનઃનિર્માણ કામ શરૂ કરાયું :મંદિર ઉપર કુલ ૪૨ લાખ ડોલર ખર્ચાશે : બહેરીનમાં દ કિંગ હમાદ ઓર્ડર ઓફ દ રેનેસાથી વડાપ્રધાન સન્માનિત

મનામા, તા. ૨૫ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બહેરીનમાં દ કિંગ હમાદ ઓર્ડર ઓફ રેનેસાથી સન્માન કરવામાં આવ્યું છે. મોદીએ બેહરીનના શાહ હમાદ બિન ઇશા અલ ખલીફા સાથે જુદા જુદા વિષય પર વાતચીત કરી હતી. બંને દેશો વચ્ચે અનેક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બંને નેતાઓએ સાનુકુળ માહોલમાં આ વાતચીત યોજી હતી. બંને દેશોએ સંરક્ષણ, અંતરિક્ષ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં એમઓયુ કર્યા હતા. બીજી બાજુ બહેરીન માનવીય આધાર પર જેલમાં રહેલા ૨૫૦ ભારતીયોને માફી આપવા માટે તૈયાર થયું છે. આ નિર્ણય એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે મોદી મધ્યપૂર્વના દેશમાં પહોંચ્યા હતા. મોદીએ બહેરીન સરકારનો આના માટે આભાર પણ માન્યો છે. બીજી બાજુ મોદી બહેરીન બાદ જી-૭ બેઠકમાં ભાગ લેવા માટે રવાના થયા હતા.

        આ બેઠકમાં અમેરિકા, બ્રિટન, કેનેડા, જાપાન, ઇટાલી, જર્મની અને ફ્રાંસ સામેલ થઇ રહ્યા છે. ભારત અને બેહરીનના બંને નેતાઓની વચ્ચે ભારત અને બહરીનની દોસ્તી, વ્યાપારિક સંબધો અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનને લઈને ચર્ચા થઈ હતી. વિદેશ મંત્રાલયના સેક્રેટરી રવીશ કુમારે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. મોદી બહરીનનો પ્રવાસ કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. વડાપ્રધાન મોદી તેમના ત્રણ દેશો ફ્રાન્સ, યુએઈ અને બહરીનના પ્રવાસના ત્રીજા તબક્કામાં શનિવારે રાતે અહીં પહોંચ્યા હતા. અગાઉ તે યુએઈમાં હતા. અહી તેમણે અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ, શેખ મોહમ્મદ બિન જાયદ સાથે મુલાકાત કરી હતી. બંને દેશોની વચ્ચે વેપાર અને સાંસ્કૃતિક સબંધોમાં સુધારના ઉપાયો પર ચર્ચા થઈ હતી. બહરીનના વડાપ્રધાન પ્રિન્સ ખલીફા બિન સલમાન અલ ખલીફા એરપોર્ટ પર મોદીને લેવા માટે પહોંચ્યા હતા. બાદમાં અલ-ગુદાઈબિયા પેલેસમાં મોદીનું સેરેમોનિયલ વેલકમ કરવામાં આવ્યું હતું.

(12:00 am IST)