Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

ભારતમાં ઘુસવા લોંચપેડ પર ૧૦૦ આતંકવાદીઓ તૈયાર

લીપા ખીણમાં પણ મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ : કલમ ૩૭૦ નાબૂદ કરવામાં આવ્યા બાદ કાશ્મીર સહિત વિવિધ ભાગોમાં આતંક મચાવવા ત્રાસવાદીઓની યોજના

નવી દિલ્હી, તા. ૨૫ : નવી દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં હાઈએલર્ટની જાહેરાત કરવામાં આવી છે. મોટા હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે. ઇન્ટેલીજન્સ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અફઘાન સહિત ૧૦૦થી વધુ પાકિસ્તાની આતંકવાદીઓ મોટા શહેરોમાં હુમલા કરવાના ઇરાદા સાથે દેશમાં ઘુસણખોરી કરવાની ફિરાકમાં છે. આ આતંકવાદીઓ વાયા પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરથી પ્રવેશવા લોંચપેડ ખાતે તૈયાર થઇ ચુક્યા છે. પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠન જૈશે મોહમ્મદ હેઠળના અફઘાનિસ્તાનમાંથી ૧૫ ત્રાસવાદીઓ પોકમાં લીપાખીણમાં હાલ સક્રિય થયેલા છે.

       સરહદ પાર કરીને ભારતમાં આવવા આ ત્રાસવાદીઓ તૈયાર છે. ભારતમાં વિસ્તાર તંગધાર આવે છે. અંકુશરેખા પર ઘણા બધા વિસ્તારો ત્રાસવાદીઓ માટે સક્રિય રહી ચુક્યા છે. અધિકારીઓના કહેવા મુજબ પાકિસ્તાની સ્પેશિયલ સર્વિસ ગ્રુપના કમાન્ડોની એક ટુકડી નાનકડા ગ્રુપમાં વિભાજિત થઇ ચુકી છે અને જમ્મુ કાશ્મીરમાં કેરન અને પૂંચ સેક્ટરમાં મોરચા સંભાળી ચુકી છે. કેટલા ગ્રુપો છે તે અંગે માહિતી મળી શકી નથી. અધિકારીઓના કહેવા મુજબ સંકેતો એવા મળી રહ્યા છે કે, આગામી દિવસોમાં આતંકવાદીઓ ભારતમાં ઘુસી શકે છે. ભારતમાં અનેક હુમલા માટે જવાબદાર રહી ચુકેલા જૈશના લીડર મસુદ અઝહરના ભાઈ મુફ્તી રૌફ અસગરના નેતૃત્વમાં ૧૯ અને ૨૦ ઓગસ્ટના દિવસે બહાવલપુરમાં બેઠક યોજાઈ હતી જેમાં તમામ પાસાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી.

           ત્રાસવાદીઓ કહી ચુક્યા છે કે, તેમના રેંક અને અધિકારીઓ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. પાકિસ્તાનમાં લશ્કરે તોઇબા, હિઝબુલ મુઝાહિદ્દીન અને જૈશે મોહમ્મદ જમ્મુ કાશ્મીરમાં સક્રિય છે. આ આતંકવાદીઓ કલમ ૩૭૦ને નાબૂદ કરવામાં આવ્યા બાદ હુમલા કરવા માટે વહેલીતકે ભારતમાં ઘુસવા માટે ઇચ્છા ધરાવે છે. સુરક્ષા દળો દ્વારા પાકિસ્તાની સેનાની ગોળીબાર કરવાની રીતને પણ હાલમાં નોંધી દીધી છે. અંકુશરેખા ઉપર યુદ્ધવિરામનો ભંગ કરવાનો હેતુ ત્રાસવાદીઓને ભારતમાં ઘુસાડી દેવાનો રહેલો છે. ભારતીય સેનાના અધિકારીઓ વારંવાર કહી ચુક્યા છે કે, પાકિસ્તાન દ્વારા ઉશ્કેરણીજનક કૃત્યો કરવામાં આવી રહ્યા છે. ભારતના આક્ષેપો છતાં પાકિસ્તાનનું કહેવું છે કે, કાશ્મીરીલોકોને તેના દ્વારા માત્ર નૈતિક સમર્થન આપવામાં આવી રહ્યું છે પરંતુ જાણકાર લોકોનું કહેવુંછે કે, ફંડિંગ, ટેકા અને ઘુસણખોરી પાકિસ્તાની સેના વગર શક્ય નથી.

(12:00 am IST)