Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

ચીનમાંથી રેલ્વે માટે થતી ખરીદીમાં મોટા બદલાવની સંભાવનાઃ ભારત આત્મનિર્ભય યોજનાને ઝડપી સાકાર કરવા નિર્ણય લેવાયો

રેલ્વેની ખરીદીમાં સ્થાનિક સપ્લાયરોને બોલી લગાવવા અપાશે મંજુરી

નવી દિલ્હીઃ રેલવે (Indian Railway) પોતાની ખરીદ પ્રક્રિયામાં ઘરેલૂ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે એક મોટું પગલું ભરવાની તૈયારીમાં છે. તેના માટે તેની સાથે જોડાયેલા નિયમોમાં એક જોગવાઈને જોડવામાં આવશે જેથી વધુમાં વધુ ઘરેલૂ વેન્ડર અને સપ્લાયરો રેલવેની ખરીદ પ્રક્રિયામાં બોલી લગાવી શકે. રેલવેએ શનિવારે એક નિવેદનમાં કહ્યું કે, તેનાથી સરકારના આત્મનિર્ભર ભારત મીશનને પ્રોત્સાહન મળશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જો જરૂર પડી તો નીતિમાં યોગ્ય ફેરફારો માટે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીપીઆઈઆઈટી)ની મદદ માગવામાં આવી છે. રેલવેએ કહ્યું કે, ખરીદ પ્રક્રિયામાં ઘરેલૂ ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવા માટે એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. તેમાં તે વાત પર ભાર મુકવામાં આવ્યો કે ખરીદ પ્રક્રિયામાં લોકલ વેન્ડર્સની ભાગીદારી વધારવી જોઈએ. બેઠકમાં રેલ મંત્રી પીયૂષ ગોયલે રેલવે અને ભારત સરકારની ખરીદ પ્રક્રિયામાં ઘરેલૂ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે ઉપાયોની સમીક્ષા કરી હતી.

બેઠક દરમિયાન ગોયલે રેલવેની ખરીદ પ્રક્રિયાને ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શી બનાવીને ઈન્ડસ્ટ્રીમાં વિશ્વાસ પેદા કરવા પર ભાર મુક્યો હતો. રેલવેએ નિવેદનમાં કહ્યું કે, ખરીદમાં લોકલ કન્ટેન્ટ ક્લોઝ તે રીતે હોવો જોઈએ જેથી લોકલ વેન્ડર્સ અને સપ્લાયર્સ તરફથી વધુ બોલીઓ આવે. તેનાથી આત્મનિર્ભર ભારત મિશનને બળ મળશે.

રેલવેએ કહ્યું કે, બેઠકમાં તે વાત પર ભાર આપવામાં આવ્યો કે, ઘરેલૂ સપ્લાયરોને પ્રોત્સાહન આપવું જોઈએ જે સારી ગુણવત્તા વાળા ઉત્પાદનો પૂરા પાડી શકે છે. સાથે તે પણ સૂચન આવ્યું કે, એક એફએક્યૂ સેક્શન બનાવવામાં આવે અને એક હેલ્પલાઇન નંબર પણ હોવો જોઈએ જેથી લોકલ વેન્ડરોને ખરીદ પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ પાંસાઓ વિશે સ્પષ્ટ જાણકારી મળી શકે.

(12:10 pm IST)