Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

હવે એકનાથ શિંદે સુપ્રીમકોર્ટ પહોંચ્યા : બે અરજી દાખલ કરી :ડેપ્યુટી સ્પીકરની ગેરલાયકાતની નોટીસને પડકારી

અરજીમાં શિંદેને શિવસેના વિધાનસભા પક્ષના નેતા અને ચીફ વ્હિપ તરીકે બદલવા માટે વિધાનસભામાં અન્ય કોઈ ધારાસભ્યની નિમણૂકને પણ પડકારી

મહારાષ્ટ્રની રાજકીય લડાઈ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી છે,શિવસેનાના બાગી ધારાસભ્ય એકનાથ શિંદેના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટમાં બે અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં બળવાખોર ધારાસભ્યોએ ગેરલાયકાતની કાર્યવાહી શરૂ કરવાની નોટીસને પડકારી છે.  અરજીમાં શિંદેને શિવસેના વિધાનસભા પક્ષના નેતા અને ચીફ વ્હિપ તરીકે બદલવા માટે વિધાનસભામાં અન્ય કોઈ ધારાસભ્યની નિમણૂકને પણ પડકારવામાં આવી હતી. એટલે કે, ડેપ્યુટી સ્પીકરના અધિકારક્ષેત્રના અતિક્રમણને મુદ્દો બનાવવામાં આવ્યો છે

એકનાથ શિંદે અને 15 ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. શિંદે જૂથ વતી દાખલ કરવામાં આવેલી અરજીમાં વિધાનસભ્યોએ કહ્યું છે કે શિવસેના વિધાનમંડળ દળના બે તૃતીયાંશથી વધુ સભ્યો અમારું સમર્થન કરે છે. આ હકીકતથી સંપૂર્ણ વાકેફ હોવા છતાં, ડેપ્યુટી સ્પીકરે 21 જૂને પાર્ટીના વિધાનસભા પક્ષના નવા નેતાની નિમણૂક કરી હતી

એકનાથ શિંદેએ ડેપ્યુટી સ્પીકરની નોટિસને સંપૂર્ણપણે ગેરકાયદેસર અને મનસ્વી ગણાવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે નોટિસ બાદ તેમને અને તેમના અન્ય સહયોગીઓને રોજ ધમકીઓ મળી રહી છે. તેમના જીવને જોખમ છે. અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, સામા પક્ષ (શિવસેના)એ પોતાના નિવાસ/પરિવારના સભ્યોમાંથી સુરક્ષા હટાવી લીધી છે એટલું જ નહીં, પરંતુ પાર્ટીના કાર્યકર્તાઓને ભડકાવવાના વારંવાર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અરજદારના કેટલાક સાથીઓની સંપત્તિને પણ નુકસાન થયું છે. તેમના જીવને ગંભીર ખતરો છે.

 

(9:48 pm IST)