Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ફરી એક વખત રાજસ્થાનના રાજકીય સંકટનો મુદ્દો ઉખાળ્યો

જો સચિન પાયલટે રાજસ્થાનમાં સરકાર બદલવાની તક ન ગુમાવી હોત તો પૂર્વીય રાજસ્થાન કેનાલ પ્રોજેક્ટ દ્વારા પાણી આવતું હોત. ગેહલોતે BJP નેતા ગજેન્દ્ર શેખાવત-સચિન પાયલટ પર લગાવ્યો આરોપ

નવી દિલ્‍હી : મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ફરી એક વખત રાજસ્થાનના રાજકીય સંકટનો મુદ્દો ઉખાળ્યો છે. અશોક ગેહલોત દ્વારા લગાવવામાં આવેલા આરોપ પ્રમાણે ભાજપના નેતા અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર શેખાવત તથા રાજસ્થાનના તત્કાલીન ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ વર્ષ 2020માં સરકાર પાડી દેવા માટે જે ષડયંત્ર રચાયું હતું તેમાં એકસાથે હતા. બંનેએ ધારાસભ્યોના ખરીદ-વેચાણ અંગે વાતચીત કરી હતી. અશોક ગેહલોતે ગજેન્દ્ર શેખાવતને ઉદ્દેશીને જણાવ્યું કે, સૌને ખબર છે કે, તમે પોતે સરકાર પાડી દેવા માટેનું ષડયંત્ર રચ્યું. હવે તમે સચિન પાયલટનું નામ લઈ રહ્યા છે કે તેણે ચૂક કરી દીધી. તેનાથી સાબિત થઈ ગયું, થપ્પો લગાવી દીધો. તમે પોતે તેમના સાથે મળેલા હતા.

હકીકતે જયપુરના ચોમુ ગામ ખાતે એક સભા દરમિયાન ગજેન્દ્ર શેખાવતે કહ્યું હતું કે, જો સચિન પાયલટે રાજસ્થાનમાં સરકાર બદલવાની તક ન ગુમાવી હોત તો પૂર્વીય રાજસ્થાન કેનાલ પ્રોજેક્ટ દ્વારા પાણી આવતું હોત. ગજેન્દ્ર શેખાવતને સર્વ થયેલી નોટિસ અંગે કહ્યું કે, તેમને વોઈસ સેમ્પલ આપવા સામે શું વાંધો છે? ઉપરાંત શેખાવતે લોકેશ શર્મા સામે જે કેસ દાખલ કરાવ્યો છે તેને ઉલટું ચોર કોટવાલને વઢે તેવી વાત ગણાવી હતી. ગજેન્દ્ર શેખાવત પર આરોપ છે કે, તેઓ ગેહલોત સરકાર સામેના બળવા દરમિયાન કોંગ્રેસના બાગી ધારાસભ્યોના સંપર્કમાં હતા. તેના સાથે સંબંધિત ટેપ પણ વાયરલ થઈ હતી. રાજસ્થાન એસીબીએ ટેપની સત્યતાની પુષ્ટિ માટે શેખાવતના અવાજના સેમ્પલ માગ્યા હતા પરંતુ તેમણે હજુ સુધી એસીબીના સમન્સનો જવાબ નથી આપ્યો. ત્યારે હવે શેખાવતને આ માટે કોર્ટ દ્વારા નોટિસ મોકલવામાં આવી છે.

 કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવતને નોટિસ પાઠવવામાં આવી ત્યાર બાદ રાજ્યમાં સત્તારૂઢ કોંગ્રેસ અને ભાજપના નેતાઓ સામસામે આવી ગયા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયાંએ કોંગ્રેસ સરકાર પર પ્રતિશોધના રાજકારણ માટે પોલીસ તથા અન્ય રાજ્ય એજન્સીઓનો દુરૂપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. આ તરફ મુખ્યમંત્રી અશોક ગેહલોત દ્વારા એવો સવાલ કરવામાં આવ્યો છે કે, કેન્દ્રીય મંત્રીને પોતાના અવાજનું સેમ્પલ આપવામાં શું વાંધો છે.  રાજસ્થાનમાં જુલાઈ 2020 દરમિયાન પાયલટ તથા અન્ય 18 કોંગ્રેસી ધારાસભ્યોએ બળવો પોકાર્યો હતો જેના કારણે રાજકીય સંકટ સર્જાયું હતું. તે સમયની ટેલિફોનિક વાતચીતની 3 ઓડિયો ક્લિપ ખૂબ જ વાયરલ થઈ હતી. તે સમયે કોંગ્રેસ દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે, વાતચીતમાં એક અવાજ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતનો છે અને તેઓ રાજ્ય સરકારને પાડી દેવાના ષડયંત્રની વાત કરી રહ્યા છે.

(4:52 pm IST)