Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

અશ્વેત નાગરિક જ્યોર્જ ફલોઇડની ખુલ્લેઆમ ક્રૂરતાપૂર્વક હત્યા કેસ : ડેરેક ચોવિનને કોર્ટે 22.5 વર્ષની જેલની સજા

જજે કહ્યુ હતુ કે, ડેરેક ચોવિનની સજા તેને મળેલા અધિકારના દુરપયોગ બદલ અને જ્યોર્જ ફ્લોઈડ સાથે તેણે આચરેલી ક્રુરતાના આધારે નક્કી કરાઈ

અમેરિકામાં ગયા વર્ષે અશ્વેત નાગરિક જ્યોર્જ ફલોઇડની એક પોલીસ કર્મચારીએ ખુલ્લેઆમ ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાંખી હતી. પોલીસે જ્યોર્જની ગરદન પર એટલા સમય સુધી પોતાનો પગ દબાવી રાખ્યો હતો કે, તેનું મોત થઈ ગયું હતું. આ માટે જવાબદાર પૂર્વ પોલીસ કર્મચારી ડેરેક ચોવિનને કોર્ટે 22.5 વર્ષની જેલની સજા ફટકારી છે.

સુનાવણી દરમિયાન જજે કહ્યુ હતુ કે, ડેરેક ચોવિનની સજા તેને મળેલા અધિકારના દુરપયોગ બદલ અને જ્યોર્જ ફ્લોઈડ સાથે તેણે આચરેલી ક્રુરતાના આધારે નક્કી કરવામાં આવી છે.

અમેરિકામાં જ્યોર્જ ફલોઈડની હત્યા બાદ તોફાનો ફાટી નિકળ્યા હતા અને તેના કારણે મોટા શહેરોમાં ભારે અરાજકતા જોવા મળી હતી.મે 202માં નકલી નોટના કેસમાં ચોવિને ફ્લોઈડને પકડયો હતો અને તેની ગરદન પર નવ મિનિટ સુધી પોતાનો પગ દબાવી રાખ્યો હતો.જેના કારણે તેનુ મોત થયુ હતુ. આ ઘટનાનો વિડિયો પણ વાયરલ થયો હતો. તે પછી અમેરિકામાં રંગભેદને લઈને દેખાવો થયા હતા.

કોર્ટે આ માટે ડેરેક ચોવિનને દોષી કરાર આપ્યો હતો પણ તેની સજાની જાહેરાત બાકી હતી.ચોવિનના વકીલે જ્યોર્જ ફ્લોઈડની હત્યાને એક ભૂલ બતાવી હતી.કોર્ટે આપેલી સજાનુ ફ્લોઈડના પરિવારે સ્વાગત કર્યુ છે.ફ્લોઈડની બહેન બ્રિજેટે કહ્યુ હતુ કે, સજા બતાવે છે કે, પોલીસની બર્બરતાના મામલાને કોર્ટ દ્વારા ગંભીરતાથી લેવાઈ રહ્યા છે પણ હજી આપણે બહુ લાંબુ અંતર કાપવાનુ છે.

જ્યોર્જ ફ્લોઈડના ભાઈએ સુનાવણી દરમિયાન ચોવિનને મહત્તમ સજા થાય તેવી માંગ કરી હતી.દરમિયાન જજે સજા સંભળાવતા કહ્યુ હતુ કે, આ મામલો દેશ માટે દુખદ હતો પણ સૌથી વધારે દુખદ ફ્લોઈડના પરિવાર માટે હતો.આ સજા ભાવનાઓ પર આધારિત નથી પણ સાથે સાથે હું એ દુખને સ્વીકારવા માંગુ છું જે ફ્લોઈડનો પરિવાર અનુભવી રહ્યો છે.

દરમિયાન ચોવિને પોતાની ભૂલ માટે માફી માંગી નહોતી પણ ચોવિનની માતાએ કહ્યુ હતુ કે, મને મારો પુત્ર નિર્દોષ હોવાનો ભરોસો પહેલેથી રહ્યો છે અને હજી પણ છે.

(11:57 pm IST)