Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

મોદી સરકારની વિદાય બાદ ભારત-પાક. સબંધો સુધરશે

પાકિસ્તાનના વડાપ્રધાનના નિવેદનોમાં વિરોધાભાસ : અમેરિકન મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં પાકિસ્તાનના પીએમ ઈમરાનખાનને પીએમ મોદી પર Rssની વિચારધારાને લાગુ કરવાનો આરોપ લગાવ્યો

નવી દિલ્હી, તા.૨૬ : પાકિસ્તાનના પીએમ ઈમરાનખાન મોદી સરકાર સાથેના સબંધોને લઈને હંમેશા દ્વિધામાં રહ્યા છે.તેમના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળતો હોય છે.

હવે ઈમરાનખાને તાજેતરમાં અમેરિકન મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં ઉટપટાંગ વાત કરતા કહ્યુ છે કે, મોદી સરકારની વિદાય બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સબંધો સુધરશે.ઈમરાખાને પીએમ મોદી પર આરએસએસની વિચારધારાને લાગુ કરવાનો આરોપ લગાવ્યો હતો. ઈમરાનખાનને પત્રકારે પૂછ્યુ હતુ કે, શું મોદી સરકાર સત્તા પર નહીં હોય તો ભારત અને પાકિસ્તાન વચ્ચેના સબંધો સુધરશે ત્યારે તેના જવાબમાં પાક પીએમે કહ્યુ હતુ કે, બીજા કોઈ પણ પાકિસ્તાની શાસક કરતા ભારતને હું વધારે સારી રીતે જાણું છે.અન્ય કોઈ પણ દેશ કરતા વધારે પ્રેમ અને સન્માન મને ભારતમાં મળ્યુ છે.કારણકે બંને દેશોમાં ક્રિકેટની રમત ધર્મ જેવી છે.હું જ્યારે પીએમ બન્યો ત્યારે મેં સૌથી પહેલા પીએમ મોદી સાથે વાત કરી હતી. દરમિયાન મેં કહ્યુ હતુ કે, મારુ ટાર્ગેટ દેશમાં ગરીબી ઓછુ કરાવનુ છે. માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે સારા વ્યાપારિક સબંધો જરુરી છે.તેનાથી બંને દેશને ફાયદો થશે.

ઈમરાને કહ્યુ હતુ કે, અમે હંમેશા સબંધો સુધારવા માટે પ્રયત્નો કર્યા છે પણ અમને કોઈ જવાબ મળ્યો નથી.મને લાગે છે કે, આરએસએસની વિચારધારા તેના માટે જવાબદાર છે.પીએમ મોદી પણ આરએસએસ સાથે જોડાયેલા છે.મને લાગે છે કે, ભારતનુ નેતૃત્વ બીજા કોઈ પાસે હોય તો અમારા સબંધો સારા હોત.અમે અમારા મતભેદો વાતચીત થકી ઉકેલી શક્યા હોત.

જોકે પહેલા ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી પૂર્વે ઈમરાનખાને કહ્યુ હતુ કે, જો ભાજપ સત્તા પર આવશે અને પીએમ મોદી ફરી વડાપ્રધાન બનશે તો શાંતિ વાર્તાની શક્યતા વધી જશે.

(7:48 pm IST)