Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

ભારતીય સાથે લગ્ન માટે પાક. પ્રેમિકાએ પરવાનગી માગી

પાકની લાડી અને ભારતનો વર, કોરોના બન્યો વિલન : ફેસબુક પર પ્રેમ થતા પંજાબના યુવક સાથે દોઢ વર્ષથી લગ્નનો યુવતીને ઈંતેજાર : ભારત સરકારને રજૂઆત

અમૃતસર, તા.૨૬ : છેલ્લા દોઢ વર્ષથી ભારતીય પ્રેમીને પરણવા માટેની રાહ જોઈ રહેલી પાકિસ્તાની યુવતીએ હવે ભારત સરકારને પોતાને સ્પેશિયલ પરમિશન અપાય તેવી માગ કરી છે. યુવતી કરાચીમાં રહે છે અને તેને પંજાબમાં રહેતા યુવક સાથે ફેસબુક પર પ્રેમ થયો હતો. બંને લગ્ન કરવા માટે પણ પૂરી તૈયારી કરી ચૂક્યા છે, પરંતુ કોરોનાને કારણે યુવતીનું ભારત આવવું ટલ્લે ચઢી ગયું છે.

કરાચીમાં રહેતી સુમને જણાવ્યું હતું કે તે પોતાના પ્રેમી અમિત સાથે લગ્ન કરવા ઘણા સમયથી રાહ જોઈ રહી છે. કરાચીમાં શિક્ષિકા તરીકે કામ કરતી તેમજ એમફીલનો અભ્યાસ કરી રહેલી સુમને પાકિસ્તાન સ્થિત ભારતીય હાઈ કમિશનમાં પોતાના દસ્તાવેજ પણ જમા કરાવી દીધા છે, પરંતુ કોરોનાને કરાણે બંને દેશોએ સરહદ ક્રોસ કરવા પર પ્રતિબંધ મૂક્યો હોવાના કારણે તેને વિઝા નથી મળી રહ્યા.

પંજાબના ગુરુદાસપુર જિલ્લાના શ્રી હરગોબિંદપુરમાં રહેતા અમિત સાથે સુમનની મુલાકાત ૨૦૧૯માં થઈ હતી. ફેસબુક પર થયેલી મિત્રતા થોડા સમયમાં પ્રેમમાં પરિણમી હતી અને તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. બીજી તરફ, ભારત અને પાકિસ્તાને માર્ચ ૨૦૨૦થી તમામ પ્રકારના પેસેન્જર ટ્રાફિકને અટકાવી દીધો છે, જે હજુય ચાલુ નથી થઈ શક્યો.

કોરોનાને કારણે લગ્ન અટવાઈ ગયા હોય તેવી સુમન એક માત્ર યુવતી નથી. પાકિસ્તાનની એક યુવતી ફુફુરા પણ ભારતીય પ્રેમી સાથે પરણવાની રાહ જોઈને બેઠી છે. યુવક પણ પંજાબના ગુરુદાસપુરનો રહેવાસી છે. જોકે, ટ્રાવેલ બેનને કારણે તેના લગ્ન પણ ટલ્લે ચઢ્યા છે.

(7:46 pm IST)