Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

ગ્રે લિસ્ટમાં રખાતા પાકિસ્તાન ભડક્યું :વિદેશ પ્રધાન કુરેશીએ ભારતને જવાબદાર ઠરાવ્યું

કુરેશીએ કહ્યું કેટલીક શક્તિઓ પાકિસ્તાન ઉપર એફએટીએફની તલવાર લટકાવી રાખવા માંગે છે: એફએટીએફ ટેકનિકલ ફોરમ છે કે પોલિટિકલ.? ઉઠાવ્યો સવાલ

ઇસ્લામાબાદ :મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગ પર નજર રાખતી વૈશ્વિક સંસ્થા ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) દ્વારા પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખવામાં આવ્યું છે.

હવે પાકિસ્તાને તે માટે ભારતને જવાબદાર ઠરાવ્યું છે, વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશી આમાં 'વિદેશી શક્તિઓ' નો હાથ જુએ છે. માનવામાં આવે છે કે તેમનો ઇશારો ભારત જેવા દેશો પર છે, જેમણે આતંકવાદ પર કાબુ મેળવવા માટે પાકિસ્તાન ઉપર વૈશ્વિક દબાણ લાવવામાં કોઈ કસર છોડી નથી.

રેડિયો પાકિસ્તાનના એક રિપોર્ટ મુજબ કુરેશીએ કહ્યું કે પાકિસ્તાને લગભગ આખો એક્શન પ્લાન લાગુ કરી દીધો છે અને તેને ગ્રે લિસ્ટમાં રાખવાની કોઈ જગ્યા ન હતી. એફએટીએફ દ્વારા આપવામાં આવેલા કારણો પરથી આંખો ફેરવી લેતા કુરેશીએ કહ્યું કે એ જોવાનું રહેશે કે એફએટીએફનો ઉપયોગ શું રાજકીય હેતુ માટે કરવામાં આવી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે કેટલીક શક્તિઓ પાકિસ્તાન ઉપર એફએટીએફની તલવાર લટકાવી રાખવા માંગે છે. કુરેશીએ કહ્યું કે એ નક્કી કરવાની જરૂર છે કે એફએટીએફ ટેકનિકલ ફોરમ છે કે પોલિટિકલ.

જો કે કુરેશીએ એ પણ સ્વીકાર્યું કે પાકિસ્તાન જે પણ પગલાં લઈ રહ્યું છે તે પણ તેના પોતાના હિતમાં છે. તેમણે કહ્યું, "અમારૂ હિત શું છે? અમારૂ હિત મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગ અટકાવવામાં છે અને અમે અમારા શ્રેષ્ઠ હિતમાં જે છે તે અમે કરવાનું ચાલુ રાખીશું."

(7:10 pm IST)