Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, ગૌહાટી સહિત અન્ય રાજ્યોની મહિલાઓને લાલચ આપીને જાળમાં ફસાવી લેતા

કાનપુર ધર્માંતરણનો શિકાર બનેલ મોટાભાગની યુવતિઓ ગ્રામીણ વિસ્તારોની હોવાનું ખુલ્યુઃ મોહમ્મદ ઉમર ગૌતમ અને કાજી જહાંગીરએ કહ્યુ કે આ યુવતિઓને સરળતાથી બ્રેઈનવોશ કરી શકાય છે

નવી દિલ્હી, તા. ૨૬ : કાનપુર ખાતે ધર્માંતરણ મામલે એટીએસ દ્વારા વધુ એક ખુલાસો કરવામાં આવ્યો છે. પોલીસને આરોપીઓ પાસેથી ધર્માંતરણનો શિકાર બનેલી ૩૩ યુવતીઓની યાદી મળી છે જેમાં મોટા ભાગની યુવતીઓ ગ્રામીણ વિસ્તારોની છે. એટીએસની પુછપરછમાં પકડાયેલા મોહમ્મદ ઉમર ગૌતમ અને કાજી જહાંગીરના કહેવા પ્રમાણે ગ્રામીણ વિસ્તારની યુવતીઓનું બ્રેઈન વોશ કરવું સરળ હોય છે.

બીહૂપુર ગામ ઘાટમપુર નિવાસી ઋચા ઉર્ફે માહીન અલી અંગે ખુલાસો થયો હતો. ત્યાર બાદ એટીએસે ફરી એક વખત મોહમ્મદ ઉમર ગૌતમની સંસ્થા ઈસ્લામિક દાવા સેન્ટર ખાતેથી મળેલી ૩૩ યુવતીઓ અને મહિલાઓના નામની યાદી અંગે તપાસ શરૂ કરી દીધી છે. યાદી તપાસ્યા બાદ મોટા ભાગની યુવતીઓ ગ્રામીણ વિસ્તારની હોવાની જાણ થઈ હતી.

આ યાદીમાં બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, ગૌહાટી સહિત અન્ય રાજ્યોની મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ટોળકીના સદસ્યો તેમને લાલચ આપીને પોતાની જાળમાં ફસાવી લેતા હતા અને ત્યાર બાદ તેમનું બ્રેઈન વોશ કરીને ધર્માંતરણ કરાવવામાં આવતું હતું.

પુછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું કે, ગ્રામીણ વિસ્તારમાં રહેતી યુવતીઓ અને મહિલાઓને કચડાયેલો વર્ગ માનીને અનેક વખત તેમનો તિરસ્કાર કરવામાં આવે છે. તેનો ફાયદો ઉઠાવીને તેઓ આવી મહિલાઓ કે યુવતીઓને પોતાનો શિકાર બનાવે છે. ત્યાર બાદ તેમનું બ્રેઈન વોશ કરવામાં આવે છે અને તેમનો અધિકાર અપાવવાની લાલચ આપવામાં આવે છે.

(4:03 pm IST)