Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

બીજી લહેર જેટલી ગંભીર નહીં હોય ત્રીજી લહેર : રસીકરણ પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે ઉપયોગી : તેમને રસી આપવી જોઈએ

આઈસીએમઆરે ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની શકયતા પર એક અધ્યયન પ્રકાશિત કર્યું

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેર બાદ હવે ત્રીજી લહેરની આશંકા વ્યકત કરવામાં આવી છે. હાલમાં જ સામે આવેલા કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટે ચિંતા વધારી છે. એકસપર્ટ્સનું કહેવું છે કે જો ત્રીજી લહેર આવી તો તેના માટે ડેલ્ટા પ્લસ જવાબદાર હશે. તેવામાં આઈસીએમઆરે ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની શકયતા પર એક અધ્યયન પ્રકાશિત કર્યો છે.

અધ્યયનમાં કહ્યુ છે કે ભારતમાં જો કોરોનાની ત્રીજી લહેર આવે છે તો તે બીજી લહેર જેટલી ગંભીર નહીં હોય. જો કે રસીકરણના પ્રયાસોમાં સ્પીડ લાવવામાં આવે તો નવા સંક્રમણને અટકાવી શકાય છે. અધ્યયનમાં ત્રીજી લહેરની શકયતાની વાત કરીએ તો સંક્રમણ આધારિત પ્રતિરક્ષા ક્ષમતા આ ઈમ્યૂનિટી કેપેસિટીની ઓછી થઈ શકે છે. તેવામાં પહેલાથી સંક્રમણની હદમાં આવી ચૂકેલા લોકો ફરી સંક્રમિત થઈ શકે છે.

ત્યારે આઈસીએમઆરે હાલમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં શોધ્યું કે ગર્ભવતી મહિલાઓ બીજી લહેરમાં પહેલી લહેરની સરખામણીએ વધારે સંક્રમિત થઈ. આ વર્ષે મૃત્યુ દર અને સંક્રમિત મામલની સંખ્યામાં દ્યણો વધારો થયો છે. આઈએમઆરના ડાયરેકટર જનરલ (ડીજી) ડો. બલરામ ભાર્ગવનું કહેવું છે કે સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન છે પ્રેગ્નેન્ટ મહિલાઓને રસી લગાવી શકાય છે. રસીકરણ પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે ઉપયોગી છે અને તેમને રસી આપવી જોઈએ.

(12:52 pm IST)