Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

૨૭ જૂન : પંચમદાની ૮૨મી જન્મજયંતી

આર.ડી.બર્મન 'પંચમ' : સૂર અને ધ્વનિના બેતાજ બાદશાહ

આર ડી બર્મન ચાહકોમાં પંચમ દા ના નામથી ઓળખાય છે. પંચમ દાને હિન્દી ફિલ્મ સંગીતના અત્યાર સુધીના સૌથી   વધુ પ્રભાવશાળી સંગીતકાર ગણી શકાય કારણ કે તેમની લોકપ્રિયતા તેમના અવસાન પછી પણ ઉત્ત્।રોત્ત્।ર વધતી રહી છે. આજના કિશોરો અને યુવાનો પણ પંચમદાને સાંભળે છે પસંદ કરે છે અને તેમના સંગીતમાં ઊંડા ઉતરે છે. આજે વાત કરવી છે તેમના એક બે વિશિષ્ટ પાસાની.

કોઈપણ કલાકાર માટે એ અગત્યનું છે કે  એ નિત્ય પોતાના આંખ,કાન અને મન  પ્રેરણાસ્ત્રોત માટે ખુલ્લા રાખે. પંચમ દા પણ એવા સંગીતકાર હતા. તેઓ જયારે અમેરિકા ગયા ત્યારે તેમણ ''ફલેન્જર '' નામનું સાધન જોયું. શું વિશેષતા છે ફલેન્જરની ? આ ઉપકરણ કોઈપણ સંગીત વાદ્ય માં થી નીકળતા સાઊન્ડ કે ધ્વનિના  અનેક આવર્તનો પેદા કરે. એક રીતે કહીયે તો ડિસ્ટોર્ટ પણ કરે. પરંતુ એક ખાસ ઇફેકટ એનાથી ઉભી થાય. પંચમ દા એ ગુલઝાર સાબની ફિલ્મ  કિતાબ માં રેલવે એન્જીન પાયલોટ ઉપર ફિલ્માવવામાં આવનાર ગીતની ધૂન બનાવવાની હતી. એ પણ જુના જમાનાની મીટરગેજ ટ્રેઈન જે કે ખાસ ગતિ-રિધમમાં ચાલે. પંચમદા એ આ સિચ્યુએશન માટે આબાદ ફલેનજરની મદદ વડે  ગીત બનાવ્યું જે આબેહૂબ અસર ઉભી કરતુ હતું. એ ગીત એટલે ધન્નો કી આંખોમેં રાતકા સૂરમા ! ગીત જોતા અને સાંભળતા અચૂક એવું લાગશે અહીં ગિટાર સાથે સાથે જોડેલ ફલેન્જર જે આવર્તનો ઉભા કરે છે એ ટ્રેઈનના અવાજ રિધમ સાથે કેટલા ભળી જાય છે ! આ ઉપરાંત એમણે જે ગીતોમાં ફલેનજરનો ઉપયોગ કરેલો છે એ સૌ ખાસ લોકપ્રિય થયા છે.

જેમકે હમેં તુમસે પ્યાર કિતના  (કુદરત), ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ (ગોલમાલ ), હમ તુમસે મિલે, ફિર જુદા હો ગયે (રોકી ). આમ તો આ ફલેન્જર ગિટાર સાથે જોડાતું હોય છે પણ પંચમ દા તો સાઊન્ડના સાઇન્ટીસ્ટ! તેમણે ફિલ્મ શાલિમારના ગીત 'વન ટૂ ચા ચા ચા' માં સિતાર સાથે ફલેન્જરનો પ્રયોગ કરીને પણ કમાલ કરી છે.

આતો થઇ ધ્વનિ-સાઊન્ડની કમાલની વાત. હવે સૂર ઉપર પણ એમનું કેટલું પ્રભુત્વ હતું એ જોઈએ. અધકચરા અને પૂર્વગ્રહિત માનસિકતા ધરાવતા લોકો એમને માત્ર પશ્યિમી સંગીતના પુરસ્કર્તા ગણે છે એમણે ખાસ વાંચવું.

આ ગુલઝાર સાબની અન્ય એક ફિલ્મ નમકીન' ના ગીતની વાત છે. ગીત છે  રાહ પે રેહ્રતે હૈ, યાદોં પે બસર કરતે હૈ કદાચ એક ડ્રાઇવરના જીવનને ત્રણ કડીમાં અદભુત રીતે રજૂ કરતુ આવું કોઈ ગીત બોલીવૂડમાં નથી જ.

કિશોરદાનો આરસની ખરલમાં ઘૂંટેલ કસુમ્બા જેવો અવાજ, ગુલઝારે ડ્રાઇવરમાં મનમાં પરકાયાપ્રવેશ કરીને લખેલ બોલ અને પંચમ દાની તર્જ વડે આમ પણ આ ગીત વિશેષ ગીત ગણાય છે. આ ગીતના ત્રીજા અંતરા પહેલાના ઇન્ટરબ્યુડમાં પંચમ દા એ  સામ, સામ, સામ  કોરસમાં મૂકયું છે. એ અમસ્તું જ નથી. એની પાછળ પંચમ દાની સૂરની  ઊંડી સૂઝ છે. તેમાં મૂળ  છે સારેગપગરેગરેસા.

એટલે આવવું જોઈએ પ સા પ સા.  પરંતુ પંચમદા એમાં મૂકે છે  સા મ સા મ  અને આમ કરીને પંચમ દા આ  ગીતને બિલાવલમાં થી માલકૌંસ માં જાય છે અને ગીતને  સ્કેઇલને  પોતાની મરજી મુજબ બદલે છે.

આ વાત પં ઉલ્હાસ બાપટે એક મુલાકાતમાં કરી છે. અને એમના જ શબ્દોમાં કહીએ તો  આ એ જ વ્યકિત કરી શકે જે શાસ્ત્રીય સંગીતમાં સ્વામિત્વ ધરાવતું હોય.

આ છે પંચમદા ની તાકાત. જેમના ગીતો એમએમમાં નિત્ય ગૂંજતા રહે છે. જેમના ગીતોના કદાચ સૌથી વધુ નવા સંસ્કરણો થયા છે , જેમના વિષે એકાધિક ડોકયુમેન્ટરી બની છે, જેમના ચાહકોના બ્લોગ્સ છે  એવા સેમિનલ સંગીતકાર પંચમદાને ૮૨મી જન્મજયંતિ પર શબ્દાંજલિ.

આલેખન

પ્રા.રૂચિર પંડયા

(મો.૯૭૨૬૯ ૬૮૪૩૮)

સહયોગ : શ્રી અજય

શેઠ (મુંબઇ)

(11:49 am IST)