Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

ભારત જ નહીં સમગ્ર વિશ્વમાં ચિંતાનું કારણ બન્યો ડેલ્ટા વેરિઅન્ટ

હવે યુનાઇટેડ કિંગડમ (UK)માં અચાનક કેસ વધવા પાછળ પણ આ જ વેરિઅન્ટને જવાબદાર માનવામાં આવી રહ્યું છે

નવી દિલ્હી તા. ૨૬ : ભારતમાં આશરે બે મહિના સુધી હાહાકાર મચાવનાર કોવિડ-૧૯નો ડેલ્ટા વેરિઅન્ટ હવે આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે. આ વેરિઅન્ટ ખૂબ જ ઝડપથી ફેલાઈ છે. આ વાયરસ ગત વર્ષના અંતમાં ભારતમાં મળ્યો હતો. દેશમાં કોરોનાની બીજી ભયાનક લહેર માટે પણ આ ડેલ્ટા વેરિઅન્ટ જવાબદાર હતો. હવે યુનાઇટેડ કિંગડમ (UK)માં અચાનક કેસ વધવા પાછળ પણ આ જ વેરિઅન્ટને જવાબદાર માનવામાં આવી રહ્યું છે.

યૂરોપીયન સેન્ટર ફોર ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ (ECDC) તરફથી કહેવામાં આવ્યું છે કે, નવો ડેલ્ટા વેરિઅન્ટ ખૂબ જ સંક્રામક છે. અમારો અંદાજ છે કે ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં યુરોપમાં ૯૦ ટકા કેસ આ વેરિઅન્ટ સંબંધિત હશે. એજન્સીનો અંદાજ છે કે ડેલ્ટા વેરિઅન્ટ તેના પહેલાના આલ્ફા વેરિઅન્ટથી ૪૦-૬૦ ગણો વધારે ઝડપથી ચેપ લગાડે છે.

એવી પણ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે કોરોનાના વધી રહેલા કેસની સાથે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા વધી શકે છે. ફરી એક વખત સ્વાસ્થ્ય વ્યવસ્થા પર બોઝ આવી શકે છે. સાથે જ આ વેરિઅન્ટના પ્રભાવને કારણે મોતનો આંકડો પણ વધી શકે છે.

ગત અઠવાડિયે બ્રિટનમાં કોરોનાના નવા કેસની સંખ્યા ૩૫ હજારથી વધારે રહી હતી. રાજયોમાં લાંબા સમય પછી અનલોકિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી પરંતુ હવે ફરીથી કેસ વધતા લોકો આઘાતમાં છે. રસીકરણની ઝડપ વધારવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના જણાવ્યા પ્રમાણે દેશમાં કુલ કેસમાં ૯૬ ટકા કેસ ડેલ્ટા વેરિઅન્ટના છે.

આ ઉપરાંત જર્મનીમાં ડેલ્ટા વેરિઅન્ટને કારણે કોરોનાના કેસની સંખ્યા બેગણી થઈ ગઈ છે. જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલે ડેલ્ટા વેરિઅન્ટની સંક્રામકતાને જોઈને યૂરોપને સતર્ક રહેવાની ચેતવણી આપી છે. રશિયા પણ ડેલ્ટા વેરિઅન્ટને કારણે પરેશાન છે. ગુરુવારે રશિયામાં ૨૦ હજારથી વધારે કેસ સામે આવ્યા હતા, જે જાન્યુઆરી પછી સૌથી મોટો આંકડો છે.

ફકત યૂરોપીય દેશો જ નહીં પરંતુ ઇઝરાયેલ અને ઓસ્ટ્રેલિયામાં પણ ડેલ્ટા વેરિઅન્ટને કારણે કેસ વધી રહ્યા છે. આ દેશોએ કોરોના પર મહદઅંશે કાબૂ મેળવી લીધો હતો. પરંતુ હવે આ દેશોમાં ફરીથી પ્રતિબંધો શરૂ થઈ ગયા છે. સિડનીમાં ફરીથી લોકડાઉન કરવામાં આવ્યું છે. ઇઝરાયેલમાં માસ્કને લઈને નિયમમાં ફેરફાર કરાયો છે.

જોકે, રાહતના સમાચાર એ છે કે અત્યારસુધી થયેલા અભ્યાસમાં એવું સામે આવ્યું છે કે કોરોના વેકસીન ડેલ્ટા વેરિઅન્ટ પર અસરકારક છે. ઇંગ્લેન્ડ તરફથી પ્રકાશિત આંકડા પ્રમાણે ફાઇઝર/બાયોએનટેક અને એસ્ટ્રાજેનેકાની રસી ડેલ્ટા વેરિઅન્ટ પર આલ્ફા જેટલી જ પ્રભાવી છે.

(10:44 am IST)