Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

ટવીટર ડીએમસીએ વિવાદ

રવિશંકરનું જ નહીં ટિવટરે શશી થરૂરનું એકાઉન્ટ પણ કર્યુ હતું લોક

નવી દિલ્હી, તા.૨૬: નવા આઈટી નિયમો અંગે સરકાર સાથે થયેલી તકરારની વચ્ચે શુક્રવારે ટ્વિટરે કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ એક કલાક માટે લોક કરી દીધું હતું. આ દરમિયાન તેમના એકાઉન્ટમાં એકસેસ કરવામાં નિષ્ફળ થયા હતા. આ પછી, કોંગ્રેસના સાંસદ શશી થરૂરે પણ ટ્વિટ કર્યું હતું કે ટ્વિટરએ પણ તેમની સાથે આવું જ કર્યું છે. અમેરિકાના ડિજિટલ મિલેનિયમ કોપિરાઇટ એકટ (ડીએમસીએ) નું ઉલ્લંઘન કરીને ટ્વિટરે આ કાર્યવાહી કરી હતી. થરૂરે કહ્યું કે સંસદીય સમિતિ આ અંગે ટ્વિટરનો જવાબ માંગશે.

શશી થરૂરે રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ લોક કરવા અંગે જણાવ્યું હતું કે તેમના જેવી ઘટના મારી સાથે પણ થઈ હતી. હું પણ તે સમયે આઇટી મિનિસ્ટર જ હતો. એક ગાવાના વિડીયોને ટિવટરે વાંધાજનક ગણાવીને તેની સામે કાર્યવાહી કરતા મારુ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું હતું. આમ આગામી સમયમાં હવે ટિવટર અને ભારત સરકાર વચ્ચેનો જંગ કેવું પરિણામ લાવે છે તે જોવાનું રહ્યું.

થરૂરે કહ્યું કે આઇટી અંગેની સંસદીય સ્થાયી સમિતિ આ અંગે ટ્વિટરનો જવાબ માંગશે. શશી થરૂર આ સંસદીય સમિતિના અધ્યક્ષ છે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં કામ કરવા છતાં એકાઉન્ટ્સને થોડા સમય માટે લોક કરવામાં આવે છે અને ભારતની બહારના કાયદાનું પાલન કરવામાં આવે છે તેનો જવાબ આપવા ટ્વિટરને કહેવામાં આવશે. શ્રેણીબદ્ઘ ટ્વીટમાં થરૂરે ડીસીએમએ પર ટ્વિટરની ક્રિયા પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે તેને ઘણું શીખવાની જરૂર છે.

આ અગાઉ કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે ટ્વિટ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'મિત્રો! આજે ખૂબ જ વિચિત્ર કહી શકાય તેવી દ્યટના બની. ટ્વિટરે મારું એકાઉન્ટ એક કલાક માટે બ્લોક કરી દીધું' પ્રસાદે પહેલા દેશી માઈક્રોબ્લોગિંગ અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ કૂ મારફતે તથા ત્યારબાદ ટ્વિટર મારફતે આ અંગે માહિતી આપી છે.

સોશિયલ મીડિયા કંપની ટ્વિટરે આઇટી પ્રધાન રવિશંકર પ્રસાદના એકાઉન્ટને એક કલાક સુધી બ્લોક કર્યા હતા. જો કે મંત્રીએ વાંધો ઉઠાવ્યો અને ચેતવણી આપ્યા બાદ તેમનું એકાઉન્ટ ફરીથી ચાલુ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રીએ સોશિયલ સાઇટ કુ પર આ માહિતી આપી હતી. તેમના કહેવા મુજબ યુએસ કાયદા ટાંકીને ટ્વિટરે કેન્દ્રીય પ્રધાનનું ટ્વિટર એકાઉન્ટ બ્લોક કર્યું હતું.

આઇટી, માહિતી અને પ્રસારણ તથા ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે ટ્વિટરની કાર્યવાહીઆઇટીના નિયમોની વિરુદ્ઘ છે. એકાઉન્ટ લોક કરતાં પહેલા ટ્વિટરે મને કોઈ નોટિસ ન આપી. આ દર્શાવે છે કે ટ્વિટરે નિયમોને માનવા ઇચ્છતું નથી. જો ટ્વિટર નવા નિયમોનું પાલન કરતું હોત તો તે કોઈ પણ એકાઉન્ટને તેની ઇચ્છા મુજબ લોક ન કરત.

(10:38 am IST)