Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

મૌલાના કલીમ સિદ્દીકીએ લાખો લોકોનાં ધર્મ પરિવર્તન કરાવ્યા

ધર્માંતરણ કેસમાં પકડાયેલા આરોપીઓના નવા ખુલાસાજી : ઉમર અને તેના સાથીદારોએ ઈસ્લામિક દાવાહ સેન્ટર થકી જેટલા લોકોનુ ધર્માંતરણ કરાવ્યુ હતુ તેમાં ૫૫ ટકા મહિલા

લખનૌ, તા. ૨૫ : દેશમાં ચકચાર મચાવનાર ધર્માંતરણ રેકેટમાં પકડાયેલા ઉમર ગૌતમ અને તેના સાથીદારોની પૂછપરછમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે.

આ આરોપીઓની પૂછપરછ કરી રહેલી યુપી એટીએસનુ કહેવુ છે કે, ઉમર ગૌતમ અને તેના સાથીદારોએ ઈસ્લામિક દાવાહ સેન્ટર થકી જેટલા લોકોનુ ધર્માંતરણ કરાવ્યુ હતુ તેમાં ૫૫ ટકા મહિલાઓ છે. આ સિવાય તપાસમાં ખબર પડી છે કે, ધર્માંતરણ કરાયેલા લોકોમાંથી મોટાભાગનાની વય ૨૦ થી ૩૦ વર્ષની વચ્ચે હતી. ધર્માંતરણ માટે આ સંસ્થાને વિદેશથી પણ ફંડ મળતુ હતુ. તેના પગલે ઈડી દ્વારા પણ નાણાકીય વ્યવહારોની તપાસ શરૂ કરવામાં આવી છે.

યુપી એટીએસને તપાસમાં ખબર પડી છે કે, ઉમર ગૌતમના એચએસબીસી બેક્નના એકાઉન્ટમાં અજાણ્યા વિદેશી સોર્સ દ્વારા ૧.૫ કરોડ રૂપિયા દાનમાં મોકલવામાં આવ્યા હતા. જેનો ઉપયોગ અલ હસન એજ્યુકેશન એન્ડ વેલફેર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો હતો. આરોપી ઉમર ગૌતમ આ સંસ્થાનો વાઈસ ચેરમેન છે અને મુંબઈની એક સંસ્થા અજમલ ફાઉન્ડેશનને પણ ગ્રાંટ આપવામાં આવી હતી.

ઉમર ગૌતમ બહારથી ફંડ લાવવા માટે ચાંદની ચોકના એક હવાલા નેટવર્કનો ઉપયોગ કરતો હતો. ગુજરાતના ભરૂચના રહેવાસી તેમજ મજલિસ અલ ફલાહ ટ્રસ્ટ સાથે જોડાયેલા અન્ય એક વ્યક્તિ અબ્દુલ્લા આદમ પટેલ પર પણ ઉમર ગૌતમને મળેલા પૈસા થકી ધર્માંતરણ કરવાનો આરોપ લાગ્યો છે.

ઉમર ગૌતમે પૂછપરછમાં ખુલાસો કર્યો છે કે, મારા સાથી મૌલાના કલીમ સિદ્દીકીએ અત્યાર સુધી પાંચ લાખથી વધારે લોકોનુ ધર્મ પરિવર્તન કરાવ્યુ છે. ઈસ્લામિક દાવાહ સેન્ટર થકી સગીરોના ધર્માતરણને પણ અંજામ અપાતો હતો. જેમનુ ધર્માંતરણ થયુ છે તે પૈકીના ચાર ટકા ખ્રિસ્તી, ૦.૭૫ ટકા સિખ અને એક જૈન વ્યક્તિ પણ સામેલ છે.

(12:00 am IST)